મહારાષ્ટ્ર પોલીસ ત્રણ વર્ષમાં લાગેલી ભીષણ આગ અને કેમિકલ બ્લાસ્ટની ફરી તપાસ કરશે

મુંબઈ: દેશની રાજધાની દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટને પગલે મહારાષ્ટ્રની પોલીસ દ્વારા રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લાગેલી ભીષણ આગ, વિસ્ફોટ, કેમિકલ તેમ જ સિલિન્ડર બ્લાસ્ટ (જેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ નોંધાઇ હોય)ની ફેરતપાસનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટનાઓને દુર્ઘટના તરીકે માનવામાં આવી હતી, પરંતુ તેની પાછળ રાષ્ટ્રવિરોધી કે આતંકવાદી તત્ત્વો સંડોવાયેલા છે કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
આપણ વાચો: LPGના ભાવ તો ઘટ્યા પણ સુરક્ષાનું શુંઃ પરગનામાં સિલિન્ડર બ્લાસ્ટમાં આખો પરિવાર હોમાઈ ગયો..
મહારાષ્ટ્ર પોલીસે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક પંદર જણનો ભોગ લેનારા કાર બ્લાસ્ટને ધ્યાનમાં લેતાં પ્રતિબંધાત્મક પગલાં તરીકે શહેરોના પોલીસ કમિશનરો તથા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સહિત તમામ યુનિટ્સના ઇન્ચાર્જ અધિકારીઓને આ સૂચના જારી કરી છે.
તેમને છેલ્લાં ત્રણ વર્ષમાં અનેકનો ભોગ લેવાયો હોય તેની ભીષણ આગની ઘટનાઓ, વિસ્ફોટ, રસાયણ તથા સિલિન્ડર બ્લાસ્ટની ફેરતપાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે કારમાં થયેલો બ્લાસ્ટ અને શ્રીનગર પોલીસ દ્વારા વાઇટ કૉલર મોડ્યુલનો પર્દાફાશ કર્યા બાદ સુરક્ષા એજન્સીએ હાઇ એલર્ટ પર છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને ઓનલાઇન કટ્ટરવાદ તરફ દોરનારાઓ પર દેખરેખ રાખવામાં આવશે. પોલીસની સોશિયલ મીડિયા વિંગ્સ એલર્ટ પર છે અને શંકાસ્પદ નાગરિકો પર નજર રાખવામાં આવશે.
આપણ વાચો: ઉત્તર પ્રદેશના લખનૌમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ, છ લોકો ઘાયલ
પોલીસને ઓનલાઇન કટ્ટરવાદી જૂથો વિશે માહિતી ભેગી કરવા અને પીએફઆઇ, સિમી તથા એસડીપીઆઇ જેવા આતંકવાદી સંગઠનોના ભૂતપૂર્વ સભ્યોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
આ વ્યાપક સૂચનાઓ બાદ બાંધકામના સ્થળ પરના મજૂરોની પોલીસ દ્વારા પૂછપરછ કરવાનું શરૂ કરાયું છે. ખાસ કરીને ગેરકાયદે ભારતમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અથવા રાષ્ટ્રવિરોધી તત્ત્વોને ઓળખવા અને તેમને પકડી પાડવાનો આ પાછળનો ઉદ્દેશ છે.
પોલીસ મહારાષ્ટ્રમાં કાશ્મીરી વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી રહી છે અને મુખ્ય શહેરોમાં રહેતા આવા લોકોની નવી યાદી તૈયાર કરી રહી છે. નિર્દેશો એ વાત પર ભાર આપે છે કે પોલીસે કાશ્મીરી વિદ્યાર્થીઓનો ઇતિહાસ તપાસી લેવો અને અદ્યતન માહિતી માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંપર્કમાં રહેવું જોઇએ.
(પીટીઆઇ)



