મહારાષ્ટ્ર પોલીસનો મોટો નિર્ણય: કાળઝાળ ગરમીને કારણે ગ્રાઉન્ડ ટેસ્ટના સમય બદલાયા

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં ગરમીને જોતા વહીવટી તંત્ર દ્વારા સમય પત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે. મેદાની પરીક્ષા દરમિયાન ઉમેદવારોના જીવ જોખમમાં ન મુકાય અને તેમને હીટસ્ટ્રોક જેવી સ્થિતિથી બચાવી શકાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને બપોરના સમયે પડતી આકરી ગરમીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી યુવાનો સુરક્ષિત રીતે પોતાની શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરી શકે.
પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે શારીરિક કસોટીઓ આખો દિવસ ચલાવવાને બદલે બે અલગ-અલગ સેશનમાં યોજવામાં આવશે. નવો સમય સવારે 5 થી 9 વાગ્યા સુધી અને ત્યારબાદ સીધો સાંજે 5 વાગ્યા પછીનો રાખવામાં આવ્યો છે. અગાઉ આ ટેસ્ટ દિવસ દરમિયાન લેવામાં આવતી હતી, પરંતુ હવે સવારની ઠંડક અને સાંજના સમયે જ દોડ અને અન્ય સ્પર્ધાઓ યોજાશે, જેથી તીવ્ર તડકાનો સામનો ન કરવો પડે.
ભરતી પ્રક્રિયાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય બીડ જિલ્લામાં બનેલી એક ઘટના બાદ લેવામાં આવ્યો છે. પરલી તાલુકાના માંડખેલ ગામના 26 વર્ષીય ઉમેદવાર દીપક વાઘુલેનું શારીરિક કસોટી દરમિયાન મોત નીપજ્યું હતું. 1600 મીટરની દોડ પૂર્ણ કર્યા બાદ દીપક અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને મૃત્યુના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં હાલમાં અંદાજે 15000 જેટલી પોલીસ જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. બુધવારથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં હજારો યુવક-યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. ઉમેદવારોએ 1600 મીટર દોડ (પુરૂષો માટે), 800 મીટર દોડ (મહિલાઓ માટે) અને ગોળાફેંક જેવી કસોટીઓ પાસ કરવાની હોય છે. છત્રપતિ સંભાજીનગર રેન્જના સ્પેશિયલ આઈજી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ બીડની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.



