રાજ્યના 49 પોલીસને શૌર્ય મેડલ: અનિલ કુંભારે, નવીનચંદ્ર રેડ્ડીને સર્વિસ મેડલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્વતંત્રતા દિને રાજ્યના 49 પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી સાત પોલીસને શૌર્ય મેડલ, ત્રણ પોલીસને ઉલ્લેખનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ મેડલની જાહેરાત કરવામાં આવી હતી.
અસાધારણ શૌર્ય દાખવનારા પોલીસ, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને દરવર્ષે શૌર્ય મેડલ આપવામાં આવે છે. ગુરુવારે આખા દેશના એક હજારથી વધુ જવાનોને મેડલની જાહેરાત કરી તેમાં મહારાષ્ટ્રના 49 જવાનોનું સન્માન કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના 2 IPS અધિકારીને મળશે પ્રેસિડેન્ટ મેડલ! આ રહી શૌર્ય અને સેવા ચંદ્રકોની યાદી
રાજ્યના સાત પોલીસ જવાનને શૌર્ય મેડલ, ત્રણ પોલીસ જવાનોને ઉલ્લેખનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અને 39 પોલીસને ગણવત્તાયુક્ત કામગીરી બદલ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ નોંધપાત્ર સેવા બદલનું મેડલ મેળવનારા મહારાષ્ટ્રના જવાનોમાં મુંબઈ ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર અનિલ કુંભારે, અમરાવતીના પોલીસ કમિશનર નવીનચંદ્ર રેડ્ડી અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્રસિંહ ગૌરનો સમાવેશ થાય છે.