બોલો, મહારાષ્ટ્રમાં મુંબઈ નહીં પુણેમાં છે મતદારોની સંખ્યા વધારે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ મહારાષ્ટ્રના મતદારો વિશે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં અમુક ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી. જેમ કે, મહારાષ્ટ્રના મતવિસ્તારમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. આ સિવાય દેશની આર્થિક પાટનગર મુંબઈ કરતા પુણેમાં સૌથી વધુ મતદારોની સંખ્યા છે. ચૂંટણી પંચની વાત માનીએ તો રાજ્યમાં સૌથી વધુ મતદારો તો પુણેમાં છે, જ્યારે મુંબઈમાં તો એનાથી નવ લાખ ઓછા મતદાર છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ મતદારો ક્યા શહેરમાં છે તે પણ આ આંકડાઓથી સ્પષ્ટ થયું હતું. મહારાષ્ટ્રમાં કુલ 48 મતવિસ્તાર છે તેમાં આશરે સવા નવ કરોડ મતદારો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ રાજ્યમાં સૌથી વધુ મતદારો પુણે શહેરમાં છે. નંદુરબાર, ગોંદિયા, રત્નાગિરી અને સિંધુદુર્ગ આ ચાર સ્થળે પુરુષ મતદારોની સંખ્યા કરતાં કરતાં સ્ત્રી મતદારો મતદારોની સંખ્યા વધુ હોવાની રસપ્રદ માહિતી પણ આ આંકડાઓ પરથી મળી હતી.
રાજ્યમાં પુણેમાં સૌથી વધુ 82,82,363 મતદારો છે જે અન્ય જિલ્લાઓની સરખામણીમાં વધુ છે. જ્યારે મુંબઈ ઉપનગરમાં મતદારોની સંખ્યા 73,56,596 છે. થાણે મતવિસ્તારમાં 65,79,588 છે. ત્યારબાદ નાશિકમાં આ સંખ્યા 48,08,499, નાગપુરમાં 42,72,366 છે. રાજ્યમાં કુલ 4,80,81,638 પુરુષ, 4,44,04,551 જ્યારે 5,617 તૃતીયપંથીય મતદારો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેના રોજ મતદાન યોજાનારું છે અને ચૂંટણી પંચ તેમ જ પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ ઉપરાંત આ વખતે રાજ્યમાં નવા 1.50 લાખ મતદારોનો ઉમેરો થયો હોવાનું પણ આંકડાઓ પરથી જણાયું હતું.