ઈલેક્શન કમિશને મહારાષ્ટ્રના નવા DGPની કરી નિમણૂકઃ જાણો, કોણ છે અધિકારી?
મુંબઈઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ઈલેક્શન કમિશને રાજ્યનાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને તાત્કાલિક અસરથી હટાવવાના આદેશ પછી આજે નવા ડીજીપીની નિમણૂક કર્યાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય વર્માને નવા ડીજીપી તરીકે નિમણૂક કરી છે.
કેન્દ્રીય ઈલેક્શન કમિશને આજે મહારાષ્ટ્રના નવા પોલીસ મહાનિર્દેશક તરીકે સંજય વર્માની નિમણૂક કર્યાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની ચૂંટણીનું હવે પખવાડિયા પહેલા ચૂંટણી પંચે રાજ્યના કોંગ્રેસ પ્રદેશપ્રમુખ નાના પટોલેની ફરિયાદ પછી ડીજીપી રશ્મિ શુક્લાને હટાવવાનો આદેશ આપ્યો હતો.
આઈપીએસ અધિકારી સંજય વર્મા 1990 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ કાયદા અને ટેકનોલોજીના ડીજી તરીકે કાર્યરત છે, જ્યારે એપ્રિલ, 2028માં પોલીસ ફોર્સમાંથી નિવૃત્ત થશે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ડીજીપીના હોદ્દા માટે જે અધિકારીના નામ ચાલી રહ્યા હતા, તેમાં મોખરે સંજય વર્મા હતા.
આ પણ વાંચો : MVA સાથે સમજૂતિ નહીં થઇ તો સમાજવાદી પાર્ટીએ 8 ઉમેદવાર ઊભા રાખ્યા
રશ્મિ શુક્લાને હટાવવામાં આવ્યા પછી ઈસીઆઈએ રાજ્ય સરકાર પાસેથી મહારાષ્ટ્ર કેડરના ત્રણ આઈપીએસ અધિકારીના નામ માગ્યા હતા, જેમાં એક વર્મા હતા. અન્ય બે વરિષ્ઠ પોલીસ અધિકારીમાં સંજીવ કુમાર સિંઘલ અને તેમના બેચમેટ રિતેશ કુમાર પણ રેસમાં સામેલ હતા.
જોકે, ડીજીપી રશ્મિ શુક્લાને લઈ રાજકીય માહોલ ગરમાયા પછી કોંગ્રેસ પછી શિવસેનાએ ઠાકરે જૂથે પણ ચૂંટણી પંચને લેખિતમાં પત્ર લખીને હટાવવાની અપીલ કરી હતી. રશ્મિ શુક્લાની નિષ્પક્ષતા મુદ્દે સવાર ઊઠાવતા ચૂંટણી પંચને હટાવવાની માગણી કરી હતી. ભાજપના આદેશ પર સરકાર માટે કામ કરી રહ્યા હોવાનો શુક્લા પર કોંગ્રેસે આરોપ મૂક્યો હતો.