મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણી: કાકા શરદ પવારનો જાદુ ઓસર્યો, ભત્રીજાએ મેદાન માર્યું

NCP (SP) હાંફ્યુંઃ 2,000 બેઠકમાંથી માંડ 25 પર લીડ, અજિત પવાર જૂથ 100ને પાર
મુંબઈઃ મહારાષ્ટ્ર નગર પાલિકાની ચૂંટણીમાં શરદ પવાર (એનસીપી-એસપી) જૂથને સૌથી મોટો ફટકો પડી રહ્યો હોવાનું જણાય છે. પાર્ટીનું પ્રદર્શન પણ સૌથી નબળું પુરવાર થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં એનસીપી-એસપીને ફક્ત 25 સીટ પર લીડ મળી રહી છે, જે શરદ પવાર કેમ્પ સારા સમાચાર નથી. મતગણતરીના કલાકો પછી પણ એનસીપી-એસીનું પ્રદર્શન ક્યાંય સારું પ્રદર્શન કર્યું હોવાનું જણાયું નથી, જ્યારે અનેક શહેરોમાં તો ખાતું પણ ખૂલ્યું નથી.
મહારાષ્ટ્રના સૌથી મોટી મુંબઈ મહાનગર પાલિકામાં એક સીટ પર આગળ હતી, જ્યારે રાજ્યમાં માંડ 25 સીટ પર આગળ છે, જ્યારે 2,000 બેઠકના પરિણામો મળ્યા છે અથવા તો ટ્રેન્ડમાં છે, જ્યારે ભત્રીજા અજિત પવારની એનસીપી ડબલ નહીં પણ ચાર ગણા ટ્રેન્ડમાં છે. અજિત પવારની એનસીપીએ અત્યાર સુધીમાં મુંબઈમાં ખાતું ખોલ્યું નથી, પરંતુ રાજ્યમાં 100નો આંકડો પાર કર્યો છે, જે સૌથી મોટો ઝટકો છે. વાસ્તવમાં અન્ય નાની પાર્ટી કરતા પણ વિભાજનને કારણે કાકા-ભત્રીજાને મોટો ફટકો પણ માની શકાય, એમ રાજકીય વર્તુળોએ જણાવ્યું છે.
થાણે, મીરા ભાયંદરમાંથી ચાર-ચાર સીટ પર આગળ હતી, પરંતુ પુણે, કલ્યાણ, નવી મુંબઈ, ઉલ્હાસનગર, વસઈ વિરાર વગેરે શહેરોમાં તો લખાય છે ત્યાં સુધી ખાતું પણ ખોલી શક્યા નથી. ઉપરાંત, જળગાંવ, ધુળે, ઈચલકરંજી, નાંદેડ, પરભણી, જાલના, ચંદ્રપુર, અમરાવતી વગેરે શહેરોમાંથી શરદ પવારની પાર્ટીના ઉમેદવાર ટ્રેન્ડમાં પણ આવ્યા નથી.
કાકાની પાર્ટીનો ગઢ જાણે તૂટી રહ્યો છે, પરંતુ તેની તુલનામાં ભત્રીજા અજિત પવારનો થોડો ઘણો જાદુ રાજ્યમાં ચાલ્યો હોવાનું કહી શકાય. શરદ પવારની એનસીપીની તુલના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે કરવામાં આવે તો મુંબઈમાં પાંચ સહિત મહારાષ્ટ્રમાં કુલ મળીને 16 ઉમેદવાર સાથે ટ્રેન્ડમાં છે, જ્યારે વંચિત બહુજન આઘાડી પણ 21 બેઠક પર ટેન્ડિંગમાં છે.



