આમચી મુંબઈ

પાલિકા સંગ્રામઃ કોણ – ક્યાં – કોની સાથે?, કોણ – ક્યાં – કોની સામે??

ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો ઊભરી આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થઈ શકે

મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) સહિત 29 પાલિકાની ચૂંટણી છે, જે અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં સૌથી રસપ્રદ બની છે, જેનું મુખ્ય કારણ કોંગ્રેસ સિવાય તમામ મોટા રાજકીય પક્ષો ભાજપ (ભારતીય જનતા પાર્ટી), શિવસેના (એકનાથ શિંદે), ઉદ્ધવ ઠાકરે શિવસેના (યુબીટી) અને બંને એનસીપી (રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી શરદ પવાર અને અજિત પવાર) કોઈ જગ્યાએ સાથે છે તો કોઈ જગ્યાએ હરીફ. હજુ તો ઠાકરે-બંધુની તો વાત જ કરી નથી. આમ ભયંકર રીતે ચૂંટણી ચિત્ર ગૂંચાવયેલું છે. આજે શુક્રવારે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આ થોડી ઘણી ગૂંચ ઉકેલાશે અને મતદારો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

મહારાષ્ટ્રની ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો ઉભરી રહ્યા છે. બે-બે શિવસેના, બે-બે એનસીપી, ભાજપ અને કોંગ્રેસ કેટલાક વિસ્તારોમાં સાથે મળીને લડી રહ્યા છે, જ્યારે અન્ય એકબીજાની સામે લડી રહ્યા છે. બાકી મનસે અને બહુજન વિકાસ આઘાડી અલગ છે અને બાકીના નાના પક્ષોએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. કેટલીક જગ્યાએ શિંદે ભાજપને પડકારી રહ્યા છે, જ્યારે અન્ય જગ્યાએ બંને કોંગ્રેસને સંયુક્ત રીતે પડકાર આપી રહ્યા છે. ઓવૈસી અને રાજ ઠાકરેના પક્ષોથી દૂર રહેનારી કોંગ્રેસે અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓવૈસીની પાર્ટી, એમઆઈએમ સાથે જોડાણ કર્યું છે. બંને ઠાકરે ભાઈઓ મોટા ભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આમ જોડાણના દૃષ્ટિકોણથી આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે.

બીએમસીમાં ૨૨૭ કોર્પોરેટર માટેની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. ભાજપ અને શિંદે સેનાના ગઠબંધનને ઉદ્ધવ સેના અને રાજ ઠાકરે પડકાર આપી રહ્યા છે. કેટલીક જગ્યાએ કોંગ્રેસ અને વંચિત ગઠબંધન પ્રયાસો કરી રહ્યા છે. અજિત પવારે ૬૪ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને શિંદે ગઠબંધને સ્પષ્ટ કર્યું છે કે ભાજપ ૧૩૭ બેઠક પર અને શિંદે સેના ૯૦ બેઠક પર ચૂંટણી લડી રહી છે. તે જ સમયે, ઉદ્ધવ સેનાએ ૧૭૫ બેઠક પર, રાજ ઠાકરેની મનસે બાવન બેઠકો પર, શરદ પવારની એનસીપી ફક્ત ૧૧ બેઠક પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ૧૬૫ બેઠકો પર, જ્યારે વંચિત આઘાડી ૬૨ બેઠક પર, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેની આરપીઆઈએ ૩૯ બેઠકો પર અને સમાજવાદી પાર્ટીએ ૧૫૦થી વધુ બેઠકો પર પોતાનો દાવો રજૂ કર્યો છે.

આ પણ વાંચો…BMC ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકાશે! ઠાકરે ભાઈઓ ગજાવશે સંયુક્ત રેલીઓ; મેનિફેસ્ટોની રાહ

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રિકોણીય મુકાબલાની શક્યતા છે. અહીં શિંદે સેના અને ભાજપ સાથે છે, જ્યારે ઉદ્ધવ સેના અને મનસે સાથે છે. ત્રીજો જૂથ કોંગ્રેસનો છે, જેમાં શરદ પવારની એનસીપી અને બહુજન વંચિત આઘાડીનો સમાવેશ થાય છે. કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને શિંદે સેનાનું ગઠબંધન છે, ઉદ્ધવ સેના અને મનસે સાથે છે, જ્યારે કોગ્રેસ, શરદ પવારની એનસીપી અને વંચિત બહુજનનું ગઠબંધન છે.

બીજી તરફ મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને શિંદે સેના વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. જ્યારે ઉદ્ધવ સેના, રાજ ઠાકરે સાથે છે. કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી ગઠબંધનમાં છે, જ્યારે હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. વસઈ-વિરારમાં કોંગ્રેસે એઆઇએમઆઇએમ સાથે હાથ મિલાવ્યા છે, જ્યારે ત્રણ મહાયુતિ પક્ષો – ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી – એક થયા છે.

ભિવંડીમાં ભાજપ અને શિંદે સેના વચ્ચે ગઠબંધન છે, જ્યારે અજિત પવાર, શરદ પવાર અને કોંગ્રેસ અલગ છે. ઉદ્ધવ ઠાકરે ભાઈઓ બંને સાથે છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને શિંદેની શિવસેના અલગ અલગ ચૂંટણી લડી રહી છે. ઠાકરે ભાઈઓ સાથે છે, જ્યારે શરદ પવારની એનસીપી અને કોંગ્રેસનું અલગ ગઠબંધન છે. ઉલ્હાસનગરમાં, શિંદે સેનાએ ટીમ ઓમી કલાની અને સાંઈ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પનવેલમાં, ભાજપ અને શિંદે, જ્યારે ઠાકરે બંધુઓ, કોંગ્રેસ, શરદ પવાર અને ખેડૂત કામદાર પક્ષ સાથે જોડાણમાં છે.

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પણ રસપ્રદ બની છે. પુણેમાં ભાજપ અને શિંદે સેના વચ્ચે કોઈ જોડાણ નથી. આ જોડાણ નિષ્ફળ ગયું કારણ કે ભાજપે શિંદે સેનાને પુણેમાં ૧૬૫ બેઠકોમાંથી ફક્ત ૧૬ બેઠકો ઓફર કરી હતી, જે નિર્ણય શિંદે સેના સ્વીકારવા તૈયાર નહોતી.

અહીં, શરદ પવાર અને અજિત પવારની પાર્ટી ગઠબંધન બનાવીને ભાજપને પડકારી રહ્યા છે. એનસીપી અને ભાજપને પડકારવા માટે, કોંગ્રેસે ઠાકરે બંધુઓ સાથે જોડાણ કર્યું છે. પિંપરી-ચિંચવડમાં, કાકા-ભત્રીજા સાથે છે. ભાજપ અને શિંદે સેના સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. અહીં, કોંગ્રેસે ઉદ્ધવ સેના અને રાજ ઠાકરે સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહી છે.

ANI

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને શિંદે સેના સાથે છે. અહીં કોંગ્રેસે ઉદ્ધવ સેના અને શરદ પવાર સાથે હાથ મિલાવ્યા છે. કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, મહાયુતિના ઘટક પક્ષો ભાજપ, શિંદે સેના અને અજિત પવાર સાથે છે જ્યારે મહા વિકાસ આઘાડી અલગ થઈ ગઈ છે. શરદ પવારે આમ આદમી પાર્ટી અને બહુજન વંચિત આઘાડી સાથે ગઠબંધન કર્યું છે અને કોંગ્રેસ ઠાકરે બંધુઓ સાથે ગઠબંધનમાં છે.

આ પણ વાંચો…વીડિયોનું ભૂત ધૂણ્યું: સીએમ ફડણવીસ અને તેમના પત્ની પર ટિપ્પણી કરનાર ઉમેદવારનું પત્તું કપાયું!

નાશિકમાં શિંદે સેના અને અજિત પવાર દ્વારા ભાજપને સંયુક્ત રીતે પડકારવામાં આવી રહ્યો છે. ત્રીજું ગઠબંધન ઠાકરે બંધુઓનું છે. કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી અલગથી ચૂંટણી લડી રહી છે. છત્રપતિ સંભાજી નગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ભાજપ, શિંદે સેના અને અજિત પવાર અલગથી ચૂંટણી લડી રહ્યા છે. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ભાજપને શિંદે સેના અને અજિત પવારની એનસીપી દ્વારા સંયુક્ત રીતે પડકારવામાં આવી રહ્યો છે. ત્રીજું ગઠબંધન કોંગ્રેસ, ઉદ્ધવ સેના, મનસે અને શરદ પવારની એનસીપીનું છે. તે જ સમયે, વંચિત બહુજન આઘાડીએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન બનાવ્યું છે.

આ પણ વાંચો…મુંબઈમાં ચૂંટણી માટે કુલ ૧૦, ૨૩૧ મતદાન મથકો રહેશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button