બાબા સિદ્દીકીના શૂટર્સોએ કરી હતી રૂ. 50 લાખની માગ, સામે આવી ચોંકાવનારી હકીકત
મુંબઇઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાની તપાસમાં મહત્ત્વની માહિતી જાણવા મળી છે. મુંબઈ પોલીસે આ કેસ સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડો સાથે, અટકાયત કરાયેલા શકમંદોની કુલ સંખ્યા નવ પર પહોંચી ગઈ છે, પોલીસે ખુલાસો કર્યો છે કે આરોપીઓએ હત્યાને અંજામ આપવા માટે શરૂઆતમાં 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, ચૂકવણી અંગેના મતભેદ અને સિદ્દીકીના રાજકીય પ્રભાવ અંગેની ચિંતાઓને કારણે આ યોજના પડતી મૂકવામાં આવી હતી. તેમ છતાં તેઓએ હત્યાને અંજામ આપવામાં સામેલ લોકોને લોજિસ્ટિકલ અને અન્ય સહાય પૂરી પાડી હતી.
શુક્રવારના રોજ, ક્રાઈમ બ્રાન્ચે શૂટર્સને કથિત રીતે હથિયારો અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડવા બદલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેનાથી આ કેસમાં ધરપકડની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. આ કેસના ત્રણ મુખ્ય શંકાસ્પદ હજુ પણ ફરાર છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ નીતિન ગૌતમ સપ્રે (32), સંભાજી કિસન પારધી (44), પ્રદીપ દત્તુ થોમ્બરે (37), ચેતન દિલીપ પારધી (27) અને રામ ફુલચંદ કનૌજિયા (43) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર.
નીતિન ગૌતમ સપ્રે ડોંબિવલીનો છે અને સંભાજી, પ્રદીપ અને ચેતન થાણેના અંબરનાથના છે. સપ્રેનું જૂથ સિદ્દીકીની હત્યા વિશે વાટાઘાટ કરી રહ્યું હતું, પરંતુ આવા અગ્રણી રાજકીય વ્યક્તિની હત્યાના સંભવિત પરિણામોનો વિચાર આવતા તેઓએ પીછેહઠ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે હત્યાના આરોપીઓને લોજિસ્ટિકલ અને અન્ય સહાય આપવાનું નક્કી કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે સપ્રેની ગેંગ ગોળીબારના સમય સુધી કાવતરાખોર શુભમ લોંકર અને મુખ્ય કાવતરાખોર ઝીશાન અખ્તરના સંપર્કમાં હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સિદ્દીકીની 12 ઑક્ટોબરની રાતે મુંબઇના બાન્દ્રા ખાતે તેમના વિધાન સભ્ય પુત્ર ઝિશાન સિદ્દીકીની ઑફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ કેસના મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ, શુભમ લોંકર અને મોહમ્મદ ઝીશાન અખ્તર હાલમાં ફરાર છે.