મહારાષ્ટ્રના સુકાભઠ્ઠ પ્રદેશમાં ‘મેઘરાજા’ મહેરબાનઃ સ્થાનિકો કેટલી થઈ રાહત?

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાની મહેર થઈ છે, જેમાં મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પર્યાપ્ત સ્ટોક થયો છે. હવે રાજ્યના સુકાભઠ્ઠ પ્રદેશ મરાઠવાડામાં પણ વરસાદની કૃપા થવાથી લોકોને રાહત થઈ છે, તેમાંય વળી 2023ની તુલનામાં ડબલ વરસાદ થવાથી પ્રશાસનની સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મેઘરાજાની મહેરને કારણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં આવેલો જાયકવાડી બંધ છલકાવાની તૈયારીમાં હોવાથી એના છ દરવાજા સોમવારે બપોરે ઉઠાવી પાણી છોડવાનો નિર્ણય સત્તાવાળાઓએ નિર્ણય લીધો હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.
ગોદાવરી નદીના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદના કારણે જાયકવાડી બંધમાં પાણીનો જથ્થો સોમવારે સવારે સંગ્રહ ક્ષમતાના 97.3 ટકા સુધી પહોંચી ગયો હતો એમ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું.
બંધમાં પાણી સતત વરસી રહ્યું હોવાથી સિંચાઈ વિભાગે બંધન છ દરવાજા છ ઈંચ ઉંચકવાનો નિર્ણય લીધો છે. ગોદાવરી નદીમાં 3,144 ક્યુસેક (ક્યુબિક ફૂટ પ્રતિ સેકન્ડ)ના દરે પાણી છોડવામાં આવશે.
પ્રવાહના આધારે પાણીના સ્રાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. રાજ્યના મરાઠાવાડા વિસ્તારના 11 મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો સોમવારે સંગ્રહ ક્ષમતાના 85.39 ટકાએ પહોંચ્યો હતો, જે ગયા વર્ષે આ દિવસે 43.2 ટકા હતો.
(પીટીઆઈ)