મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી એમએલસી મુંબઈની રેલવે ટ્રેક પર ચાલ્યા

મુંબઈ: ભારે વરસાદ અને ટ્રેનના વિલંબને કારણે સોમવારે મુંબઈમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, કેટલાક વિધાનસભ્યો અને રાજ્યના વિધાનસભા સત્રમાં હાજરી આપવા આવી રહેલા રાજ્યના પ્રધાનને પણ આવી પરિસ્થિતિમાં સામાન્ય મુંબઈગરાની તકલીફનો અનુભવ મળ્યો હતો.
મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન તેમ જ આપત્તિ વ્યવસ્થાપન ખાતાના પ્રધાન અનિલ પાટીલ અને એનસીપીના વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરી હાવડા-મુંબઈ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા અને કેટલાક અંતર સુધી પાટા પર ચાલ્યા હતા જેનો એક વીડિયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો: ભાજપના નેતાએ મહારાષ્ટ્રના પ્રધાનની હકાલપટ્ટીની માંગણી કરી
ટ્રેન લગભગ બે કલાક સુધી અટવાયેલી રહી હતી અને અમે દાદર અને કુર્લા સ્ટેશનો વચ્ચે પાટા પર ઉતરી ગયા હતા. હું રેલવે ટ્રેક સહિત લગભગ 2 થી 2.5 કિમી સુધી ચાલ્યો ત્યારે નેહરુ નગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, એમ મિટકરીએ પત્રકારોને કહ્યું હતું.
પાટીલે બાદમાં મંત્રાલય ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી. (પીટીઆઈ)