મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી જ ફરજિયાતઃ દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન

મુંબઈ/સતારાઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે સતારામાં 99મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યમાં ફક્ત મરાઠી ભાષા ફરજિયાત છે. તેમણે એમ પણ કહ્યું કે ફ્રેન્ચ અને સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓનું સ્વાગત છે, પરંતુ ભારતીય ભાષાઓનો વિરોધ કરવો યોગ્ય નથી.
ફડણવીસે યાદ કર્યું કે ગયા વર્ષે તેમની સરકારે પહેલા ધોરણથી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાના નિર્ણયનો ભારે વિરોધ થયા બાદ પાછો ખેંચી લીધો હતો. આ પછી એક સમિતિની રચના કરવામાં આવી જે આ મુદ્દા પર સૂચનો આપી રહી હતી. તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન તરીકે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી ફરજિયાત છે, અન્ય કોઈ ભાષા ફરજિયાત નથી. વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોઈપણ ભારતીય ભાષા શીખવાની સ્વતંત્રતા છે. એકમાત્ર પ્રશ્ન એ હતો કે ત્રીજી ભાષા ક્યારે દાખલ કરવી.
આ પણ વાંચો : મરાઠીમાં એનાઉન્સમેન્ટને મુદ્દે ભાયંદર સ્ટેશને યુવકની સતામણી
તેમણે સ્પષ્ટતા કરતા એમ પણ કહ્યું કે એમવીએ સરકાર દરમિયાન એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં પહેલા ધોરણથી હિન્દી ફરજિયાત કરવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, વ્યાપક વિરોધ બાદ, નરેન્દ્ર જાધવના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો અહેવાલ તેના અંતિમ તબક્કામાં છે, અને ત્યારબાદ સરકાર યોગ્ય નિર્ણયો લેશે.
ફડણવીસે એમ પણ કહ્યું કે મરાઠી ભાષાને ‘અભિજાત ભાષા’નો દરજ્જો મેળવવા માટેની લાંબી લડાઈ આખરે સફળ થઈ અને વડા પ્રધાન મોદીએ તેને મંજૂરી આપી. આમ છતાં, મરાઠી બોલનારાઓએ સંતુષ્ટ ન થવું જોઈએ. હવે ધ્યેય સમગ્ર દેશમાં મરાઠીને માન્યતા અપાવવાનો છે.
આ પણ વાંચો : વસ્તીમાં 30 ટકા અને સત્તામાં 70 ટકા: મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં મરાઠીવાદનો દબદબો
મુખ્ય પ્રધાને એ પણ યાદ અપાવ્યું કે કટોકટી દરમિયાન, સતારામાં આયોજિત મરાઠી સાહિત્ય સંમેલનમાં, પ્રખ્યાત લેખિકા દુર્ગા ભાગવતે કહ્યું હતું કે, સાહિત્યને નિયમો સાથે જોડવું એ હાસ્યાસ્પદ અને ખતરનાક છે. ફડણવીસે ખાતરી આપી હતી કે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હંમેશા સુરક્ષિત રહેશે અને બંધારણના રક્ષણ સાથે કોઈ ચેડા કરી શકશે નહીં.



