જિલ્લા પરિષદ પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ!

નગરપરિષદની ચૂંટણીમાં આવેલી સમસ્યા ટાળવા માટે ચૂંટણી પંચ નવા વિકલ્પ શોધી રહી છે: આજે કમિશનરો સાથે મુલાકાત કરીને અંતિમ નિર્ણય લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં ઓબીસી અનામતને મુદ્દે ચાલી રહેલી સુનાવણીને કારણે જે રીતે નગર પરિષદની ચૂંટણીઓમાં અવરોધ ઊભા થયા તે રીતે આગામી દિવસોમાં જિલ્લા પરિષદોની ચૂંટણીમાં પણ અવરોધ ઊભા ન થાય તે માટે ચૂંટણી પંચ હવે ચૂંટણીના કાર્યક્રમમાં ફરી એક વખત ફેરફાર કરવાનો વિચાર કરી રહ્યું છે. આ બાબતે ચર્ચા કરવા માટે રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓના કમિશનરો સાથે ગુરુવારે (ચોથી ડિસેમ્બર) એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે.
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ ગ્રામીણ જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓ માટેની ચૂંટણીઓ પહેલાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.શરૂઆતની યોજના મુજબ, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હતી, પરંતુ હવે જ્યારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે તમામ શહેરી સંસ્થાઓમાં ચૂંટણી કરાવવાની મંજૂરી આપી છે, ત્યારે પ્રક્રિયા શરૂ કરી શકાય છે, એમ ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું.
રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે પંચને મંજૂરી આપતી વખતે, સુપ્રીમ કોર્ટે ગયા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ચૂંટણી પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો ન હતો, જ્યાં 50 ટકા અનામત મર્યાદા ઓળંગી ગઈ હતી. મહારાષ્ટ્રમાં, 32 માંથી 17 જિલ્લા પરિષદો અને 336માંથી 88 જિલ્લા પંચાયત સમિતિઓમાં રાજકીય અનામત 50 ટકાને ઓળંગી ગઈ છે અને આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના ચુકાદો ચૂંટણીઓ થઈ ગયા પછી આવે તો ભારે સમસ્યાઓ નિર્માણ થવાની શક્યતા છે.
બીજી તરફ નાગપુર અને ચંદ્રપુરને બાદ કરતાં 29માંથી એકેય મહાનગરપાલિકામાં અનામતની 50 ટકાની મર્યાદા ઓળંગવામાં આવી નથી. આવી સ્થિતિમાં મહાનગરપાલિકાની ચૂંટણી વહેલી કરાવવામાં ખાસ ચિંતાજનક બાબત નથી.
ચૂંટણી પંચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા વિસ્તારોમાં અંતિમ મતદાર યાદી 10 ડિસેમ્બરે પ્રકાશિત થઈ જવાની શક્યતા છે. એકવાર અંતિમ મતદાર યાદી જાહેર થઈ જાય, પછી ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
તેથી, વાંધા-વિરોધ-સૂચન રજૂ કરવાની અંતિમ તારીખ (ત્રીજી ડિસેમ્બર) પછી, ચોથી ડિસેમ્બરે મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં આગળ કેવી રીતે વધવું તે સ્પષ્ટ થઈ જશે. અધિકારીએ જણાવ્યું હતું કે 50 ટકાની અનામત મર્યાદા પાર ન કરતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 17 જિલ્લા પરિષદો અને 88 પંચાયત સમિતિઓમાં, અનામત 50 ટકાથી વધારે છે.
અમે હજુ સુધી તે મુદ્દા પર નિર્ણય લીધો નથી. બાકીની જીલ્લા પરિષદ અને પંચાયત સમિતિમાં ચૂંટણીઓ હમણાં યોજવાથી અન્ય લોકોનું ભાવિ લટકતું રહેશે, આ બધી બાબત કરતાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ વહેલી યોજવાનું પસંદ કરી શકે છે.
34 જિલ્લા પરિષદોમાંથી, 32માં ભંડારા અને ગોંદિયા સિવાયના વહીવટકર્તાઓ છે. આ વહીવટકર્તાઓની મુદત મે 2027માં સમાપ્ત થશે. 351 પંચાયત સમિતિઓમાંથી, 336માં વહીવટકર્તાઓ છે જ્યાં ચૂંટણીઓ યોજાવાની હતી.



