મતદાર યાદીઓમાં ગૂંચવાડાથી લઈને ઈવીએમ સુધી, ચૂંટણી કમિશનરે શું જવાબ આપ્યા?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય ચૂંટણી કમિશનરની પત્રકાર પરિષદમાં રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ રાજ્યની 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. પત્રકારોએ રાજ્ય ચૂંટણી કમિશનરને વિવિધ પ્રશ્ર્નો પૂછ્યા, જેના કારણે તેઓ મૂંઝવણમાં મુકાયા, પરંતુ તેમણે બધા સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
રાજ્યના મનસે અને એમવીએનું એક પ્રતિનિધિમંડળ તેમને મળ્યું હતું અને મતદાર યાદીઓમાં ગૂંચવાડા અંગે વાંધા ઉઠાવ્યા હતા. આ સંદર્ભે શું કાર્યવાહી કરવામાં આવી? એવો સવાલ પત્રકારોએ પૂછ્યો હતો. આ અંગે તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચને આ ફરિયાદની જાણ કરી હતી પરંતુ તેમને કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી પાછળથી કોઈ જવાબ મળ્યો નથી.
સવાલ: વિરોધ પક્ષનો એવો આરોપ છે કે ચૂંટણી પંચ શાસક પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. આ અંગે તમારું શું કહેવું છે?
જવાબ: આ ખોટું છે. ચૂંટણી કમિશન કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યું નથી.
સવાલ: વિપક્ષની ફરિયાદ છે કે એક ઘરમાં 40થી વધુ મતદારો નોંધાયેલા છે. ખોટા સરનામાં છે. તેને સુધારવા માટે શું પગલાં લેશો?
કમિશનરનો જવાબ: અમને કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી મતદાર યાદી મળે છે. આ યાદીમાં બેવડા અને ત્રેવડા નામ હોય તો તેની સામે કાર્યવાહી કરી શકાય છે. અમારા તરફથી અમે ચકાસણી કરીએ છીએ અને જો કોઈ ક્ષતિ જણાશે તો સુધારો કરવામાં આવશે.



