બાર-રેસ્ટોરાં બેસીને દારુ પીવો છો તો વાંચી લેજો મહત્ત્વના સમાચાર
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં બાર-રેસ્ટોરામાં બેસીને દારુ પીવાનું મોંઘું બનશે, જે પહેલી નવેમ્બરથી વેટ વધારે વસૂલવામાં આવશે. ઘરની બહાર એટલે બાર, લાઉન્જ, ક્લબ, ડિસ્કોથેક કે પછી કેફેમાં બેસીને દારુ પીવા માટે હવે વધુ પૈસા ચૂકવવા પડશે. મહારાષ્ટ્ર સરકારે પરમીટ રૂમમાં શરાબ સર્વ કરવા માટે ટેક્સ (વેટ)માં 5 ટકાનો વધારો કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે આ સંદર્ભે જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર પરમિટ રૂમમાં દારુનું સેવન કરવા માટે હવે 10 ટકા વેટ ભરવો પડશે. ફાઈવ સ્ટાર હોટેલમાં દારુ સર્વ કરવાના દરમાં કોઈ વધારો જાહેર નથી થયો, કારણ કે એમાં વેટનું પ્રમાણ અત્યારે જ વધારે (20 ટકા) છે.
હોટેલ માલિકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં સરકારે એકસાઇઝ લાઇસન્સ ફીમાં વધારો કર્યો હોવાથી ગ્રાહકો પર ભાવ વધારાનો વધુ બોજ આવી પડ્યો છે અને મદ્ય મોંઘું થયું છે.
રાજ્યો મહત્તમ મહેસૂલ અને સહેલાણીઓ આકર્ષવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે ત્યારે આ પ્રકારનો વધારો કોશિશમાં અવરોધ બની શકે છે. અલબત્ત દુકાનોમાં વેચાતા શરાબની કિંમતમાં કોઈ વધારો નહીં જોવા મળે.
અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રમાં હાલમાં અઢાર હજાર જેટલા બાર અને રેસ્ટાર છે, જ્યાં પાંચ ટકા વધુ વેટ ટેક્સ વસૂલવામાં આવશે. હાલના તબક્કે લીકર પરના વેટ ટેક્સમાંથી રેસ્ટોરા મારફત 700 કરોડની આવક થાય છે, પરંતુ વેટ ટેક્સમાં વધારો કરવામાં આવ્યા પછી સરકારને પણ આવકમાં વધારો થશે.