હવે વર્ષમાં બે વખત થશે લિફ્ટનું ઈન્સ્પેકશન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લિફ્ટનો ઉપયોગ કરતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વર્ષમાં એક વખત નહીં પણ હવે બે વખત તેનું ઈન્સ્પેકશન કરવાનું રાજ્ય સરકાર વિચાર કરી રહી હોવાનું રાજ્યના ઊર્જા પ્રધાને વિધાનપરિષદમાં જણાવ્યું હતું.
ઊર્જા પ્રધાન મેઘના બોર્ડિકરે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે સરકારે મહારાષ્ટ્રમાં લિફ્ટના ઈન્સ્પેકશનને વધુ કાર્યક્ષમ, સુરક્ષિત અને સમયસર બનાવવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
હાલમાં મહારાષ્ટ્રમાં કુલ ૨,૧૭,૬૫૨ લિફ્ટ કાર્યરત છે અને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૨ના હાઈ કોર્ટના આદેશ મુજબ વર્ષમાં એક વખત લિફ્ટનું નિરીક્ષણ કરવાનું ફરજિયાત છે. અગાઉ આ જવાબદારી ફક્ત બે ઈલેક્ટ્રિક ઈન્સ્પેકટરના સુપરવિઝનમાં ૧૨ આસિસ્ટન્ટ ઈન્સ્પેેકટર અને ૩૦ એન્જિનિયરો પર હતી. માનવશક્તિને અછતને કારણે ઈન્સ્પેકશનની પ્રક્રિયા મર્યાદિત હદ સુધી થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ફાઉન્ટન હૉટલથી ગાયમુખ ઘાટના રસ્તાનું સમારકામ કરાશે
હવે જોકે લિફ્ટ ઈન્સ્પેકશન સર્વિસનું ૨૮ એપ્રિલ, ૨૦૨૫થી વિકેન્દ્રીકરણ કરી નાખવામાં આવ્યું છે. હવે ૪૦ ઈલેક્ટ્રિક ઈન્સ્પેકટર, ૭૮ આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેકટર અને ૩૯૭ આસિસ્ટન્ટ એન્જિનિયર આ કામમાં કાર્યરત હોઈ હવે કુલ ૨૮૮ અધિકારીઓ થઈ ગયા છે. તેમ જ હવે ઈન્સ્પેકશનની ઝડપ પણ વધારી દેવામાં આવી છે. તેથી નાગરિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વર્ષમાં એકને બદલે બે વખત લિફ્ટનું ઈન્સ્પેકશન કરવા પર ધ્યાન આપવામાં આવશે.