ખીચડી કૌભાંડઃ ઠાકરે જૂથના નેતાની ઈડી દ્વારા આઠ કલાક સઘન પૂછપરછ
મુંબઈ: કોરોનાકાળ દરમિયાન મુંબઈ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ખીચડી વિતરણમાં ગેરરિતી આચરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા અમોલ કિર્તીકરની પૂછપરછ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા અમોલ કિર્તીકરની ઇડી દ્વારા આઠ કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કિર્તીકરને ઉદ્ધવ જૂથ તરફથી ઉત્તર પશ્ર્ચિમ મુંબઈની બેઠક પરથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી આપવામાં આવી છે. આવામાં કિર્તીકર ઇડીના સકંજામાં સપડાતા તેમની મુશ્કેલી વધે તેવી શક્યતા છે.
સવારે સાડા અગિયાર વાગ્યે કિર્તીકર દક્ષિણ મુંબઈમાં આવેલી ઇડીની ઓફિસમાં હાજર થયા હતા. સાંજે આશરે સાત વાગ્યા બાદ તે ઇડીની ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. એટલે કે લગભગ આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
કિર્તીકરના સમર્થકો દ્વારા ઇડીની ઓફિસની બહાર ઇડી વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી. આ પહેલા કિર્તીકરને 27મી માર્ચે ઇડી સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જોકે, એ વખતે તેમણે પોતાના વકીલ મારફત વધુ મુદતની માગ કરી હતી.
ખીચડી કૌભાંડમાં મની લોન્ડરીંગનો કેસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા(ઇઓડબલ્યુ-ઇકોનોમિક ઓફેન્સિસ વીંગ) દ્વારા સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો.