આમચી મુંબઈ

ડ્રગ્સની હેરાફેરીના કેસમાં જુવેનાઈલ ઉંમર ૧૬ કરવાની વિચારણા: ફડણવીસ…

ડ્રગ પેડલર પર લાગશે એમસીઓસીએ: વિધાન પરિષદમાં બિલ બહુમતીએ મંજૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સ સંબંધિત કેસમાં જુવેનાઈલની વ્યાખ્યામાં સુધારો કરીને કાનૂની વય ૧૬ વર્ષ કરવાની વિચારણા કરી રહી છે. નાર્કોટિક્સની હેરાફેરી માટે કાયદામાં રહેલી છટકબારીનો લાભ લેવા માટે સગીર છોકરાઓનો ઉપયોગ વધી રહ્યો હોવાથી આવી વિચારણા થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે ડ્રગ પેડલરો સામે એમસીઓસીએ કાયદો લાગુ કરવાનો નિર્ણય લઈ લીધો છે. બીજા સુધારા અપેક્ષિત છે. અત્યારે જુવેનાઈલની કાનૂની ઉંમર ૧૮ વર્ષ છે તે ઘટાડીને ૧૬ વર્ષ કરાશે.
ડ્રગ પેડલર્સ અને નાર્કોટિક્સ ગુનાઓને એન્ટી-ઑર્ગેનાઈસ્ડ કાયદા મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગનાઈસ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ લાવવા માટેના બિલમાં કરવામાં આવેલા સુધારાને સોમવારે વિધાન પરિષદમાં બહુમતીએ મંજૂર કરવામાં આવ્યું હતું. તેથી હવે પોલીસ ડ્રગ્સની તસ્કરી કરનારાઓને એમસીઓસીએ હેઠળ ધરપકડ કરી શકશે.

અગાઉ નવ જુલાઈના વિધાનસભામાં આ બિલમાં મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં એમસીઓસીએમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે ડ્રગ્સ પેડલર્સને ધરપકડ બાદ જામીન મેળવવાનું મુશ્કેલ બનાવશે. રાજ્યના ગૃહ(શહેરી) પ્રધાન યોગેશ કદમે કહ્યું હતું કે બે જુલાઈના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ ગૃહ ખાતું સંભાળે છે તેઓએ વિધાનપરિષદમાં કહ્યું હતું કે તેઓ હાલ અસ્તિત્વમાં રહેલા કાયદામાં સુધારો કરવામાં માગે છે, જેથી કરીને ડ્રગ્સ પેડલરો સામે કડક કાયદા હેઠળ કેસ નોંધી શકાય.

અઠવાડિયા અગાઉ વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યા બાદ તેને હવે રાજ્યની વિધાનસભા બાદ વિધાનપરિષદની પણ મંજૂરી મળી ગઈ છે. આ સુધારામાં સંગઠિત ગુનાની વ્યાખ્યાને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થો સંબંધિત પ્રવૃત્તિઓને મકોકાના કાર્યક્ષેત્ર હેઠળ સમાવી શકાય.
બિલમાં ઉત્પાદન, કબજો, વેચાણ અને નાર્કોટિક દવાઓ અને સાયકોટ્રોપિક પદાર્થોના પરિવહનને સંગઠિત ગુના તરીખે વ્યાખ્યાતિ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button