ટ્રાન્સપોર્ટરની નારાજગી છતાં ઈ-ચલણનો વ્યાપ વધશે, સરકાર અમલીકરણ માટે અડગ…

મુંબઈ: ઈ-ચલણ અંગે ટ્રાન્સપોર્ટરની નારાજગી વ્યક્ત કરી હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર અંદાજે બે હજાર કિલોમીટર રસ્તાઓને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ લાવવાની તૈયારીમાં છે. આ વ્યવસ્થા ટ્રાન્સપોર્ટરોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ જારી કરે છે.
હાલમાં મુંબઈ – પુણે એક્સપ્રેસ વે પર અમલમાં રહેલી આઇટીએમએસ હવે આગામી 15 મહિનામાં મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, મરાઠવાડા અને કોંકણ-પશ્ચિમ મહારાષ્ટ્ર વિસ્તાર સુધી વિસ્તૃત કરવામાં આવશે. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર તેમાં થાણા – આચડ, મુંબઈ – કાગલ, નાશિક-ધુળે, પુણે-સોલાપુર, પુણે-નાશિક, પુણે-છત્રપતિ સંભાજીનગર, નાગપુર-અકોલા, નાગપુર-ચંદ્રપુર તેમ જ નાગપુર-દેવરી એમ નવ મુખ્ય હાઈ-વે વિસ્તાર આવરી લેવામાં આવશે.
નવ રાજમાર્ગો પર અને બે સર્કલમાં બ્લેક્સ સ્પોટ્સ પર આઇટીએમએસ લાગુ કરવા માટેનો રૂ. 1,387 કરોડનો પ્રોજેક્ટ ઇન્ફ્રા કંપની અશોકા બિલ્ડકોન લિમિટેડ (એબીએલ) અને તેની પેટાકંપની અશોકા પ્યોરસ્ટડી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (એપીટીપીએલ)ની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને પાંચ સર્કલમાં એનાયત કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
એબીએલ દ્વારા જૂનમાં નેશનલ સ્ટોક એક્સચેંજને સુપરત કરવામાં આવેલી વિગતો અનુસાર, પ્રદેશવાર અંદાજિત ખર્ચ કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર માટે 315.54 કરોડ રૂપિયા, મરાઠાવાડા માટે 314.96 કરોડ રૂપિયા, મુંબઇ માટે 291.49 કરોડ રૂપિયા, પુણે માટે 285.23 કરોડ રૂપિયા અને નાગપુર માટે 179.97 કરોડ રૂપિયા છે. આઇટીએમએસ સિસ્ટમથી મુખ્ય ધોરીમાર્ગો પર માર્ગ અકસ્માતો અને જાનહાનિને ઘટાડવામાં મદદ મળશે એમ પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.(પીટીઆઈ)