મહારાષ્ટ્રમાં હનીટ્રેપ:72થી 75 અધિકારીઓ ફસાયા હોવાના અહેવાલો: એક પ્રધાનનો પગ પણ કુંડાળામાં, મુંબઈ, થાણે, નાશિક અને પુણેમાં નેટવર્ક ફેલાયેલું હતું
કૉંગ્રેસના નાના પટોલેએ વિધાનસભામાં આ સમગ્ર પ્રકરણની ઊંડી તપાસની માગણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના 75 જેટલા અધિકારીઓને સંડોવતા અને રાજ્યના ચાર જિલ્લા મુંબઈ, થાણે, પુણે અને નાશિકમાં ફેલાયેલા હનીટ્રેપ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય વિધાન ભવન પરિસરમાં સન્નાટો ફેલાયેલો જોવા મળ્યો હતો. રાજ્ય વિધાનસભામાં કૉંગ્રેસના નેતા નાના પટોલેએ આ કૌભાંડ સંબંધી પેન ડ્રાઈવ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપી હતી અને કાર્યવાહીની માગણી કરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના અમલદારો, કાયદા અમલ કરનારા અધિકારીઓ અને રાજકારણીઓ સહિત 72થી 75 લોકોને કથિત રીતે ફસાવી દેવાનું વ્યાપક હનીટ્રેપ કૌભાંડ સપ્તાહના પ્રારંભે પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોલેએ ગુરુવારે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો અને ઘટનાની ઊંડી તપાસની માગણી કરી હતી.
માહિતી આપવાના અધિકારનો ઉપયોગ કરતાં નાના પટોલેએ જણાવ્યું હતું કે, ‘આ એક મોટો મુદ્દો છે, ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. જો આ હનીટ્રેપને કારણે રાજ્યના ગુપ્ત દસ્તાવેજો રાષ્ટ્રવિરોધી જૂથોના હાથમાં જાય, તો તે એક મોટી ભૂલ હશે,’
‘સરકારે આની નોંધ લેવી જોઈએ,’ એવા શબ્દોમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સરકારને આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં રેસ્ટોરન્ટના માલિકને હનીટ્રેપ-આત્મહત્યા કેસમાં પોલીસે ચારને ઝડપ્યા…
દરમિયાન, એનસીપી (એસપી)ના પ્રવક્તા મહેશ તાપસેએ પણ તપાસની માગણી કરતાં કહ્યું હતું કે આ કપટી નેટવર્ક મુંબઈ, થાણે, પુણે અને નાશિક જેવા મોટા શહેરોમાં ફેલાયેલું છે, જે આપણા રાજ્યના વહીવટની અખંડિતતા માટે જોખમી છે.
તાપસેએ કહ્યું કે ખાસ કરીને એ નોંધવું ચિંતાજનક છે કે ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ આ અત્યાધુનિક ખંડણી યોજનાનો ભોગ બન્યા છે. ‘આ આપણા રાજ્યમાં સરકાર સંભાળનારા લોકોની સુરક્ષા અને નબળાઈ અંગે ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘મહારાષ્ટ્રમાં હનીટ્રેપની ઘટનાઓનો આરોપ લગાવતા મીડિયા અહેવાલો પર સરકાર કેમ મૌન છે? આ વ્યાપક હનીટ્રેપ ઓપરેશનમાં અમલદારો અને રાજકારણીઓ સહિત આટલી મોટી સંખ્યામાં હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓને કેવી રીતે નિશાન બનાવવામાં આવ્યા? ગુપ્તચર એજન્સીઓ વહેલી તકે શોધખોળ અથવા હસ્તક્ષેપ કરવામાં કેમ નિષ્ફળ ગઈ? ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવા માટે કયા પગલા અમલમાં મૂકવામાં આવી રહ્યા છે?’ એવા સવાલો તેમણે ઉપસ્થિત કર્યા હતા.
તાપસેએ કહ્યું હતું કે અહેવાલો સૂચવે છે કે આ રેકેટ પાછળનો ‘માસ્ટરમાઇન્ડ’ નાસિકનો છે અને એક રાજકીય પક્ષનો ભૂતપૂર્વ પદાધિકારી છે.
આ પણ વાંચો: જેતપુરમાં મિત્રએ જ મિત્રને હનીટ્રેપમાં ફસાવી 50 હજાર પડાવ્યાં, જાણો શું છે મામલો
‘વ્યક્તિઓ દ્વારા પીડિત વ્યક્તિઓ તરીકે ઓળખાણ કરાવવી, ડિજિટલ અને વ્યક્તિગત વાતચીત દ્વારા વિશ્ર્વાસ સંપાદન કરવો અને પછી ખોટા બળાત્કારના આરોપોની ધમકી આપીને બ્લેકમેલ કરવા માટે ગુપ્ત રીતે ફોટા અને વીડિયો રેકોર્ડ કરવા, આ મોડસ ઓપરેન્ડી એક ખૂબ જ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ તરફ નિર્દેશ કરે છે,’ એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, સામાજિક કાર્યકર વિજય કુંભારેએ એવી માહિતી આપી હતી કે નાસિકની એક લક્ઝરી હોટલમાં આ ઘટનાઓ બની રહી હોવાના અહેવાલ છે. ‘એક મહિલાએ મુંબઈના પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે. મુખ્ય પ્રધાન કેમ ચૂપ છે? રાજ્ય ગુપ્તચર વિભાગે હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરી? જો આ સાચું છે, તો તે શરમજનક છે. જો તે ખોટું છે, તો આવી ‘અફવા’ ફેલાવનારા સામે કાર્યવાહી કેમ નથી થતી? એવા સવાલ તેમણે ઉપસ્થિત કર્યા હતા.