આમચી મુંબઈ

માત્ર 2 દિવસમાં 10,000 થી વધુ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવાઇ…

મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન વિભાગે 2019 પહેલા રાજ્યમાં નોંધાયેલા તમામ વાહનો માટે હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP)ફરજિયાત કરી હોવાથી હવે લગભગ 1 કરોડ 25 લાખ વાહનોમાં જૂની નંબર પ્લેટ બદલી તેના સ્થાને HSRP નંબર પ્લેટ લગાવવાનું કામ શરૂ થઇ ગયું છે. આ નંબર પ્લેટ લગાવવા માટે વાહનના પ્રકાર મુજબ જુદા જુદા ચાર્જ ચૂકવવા પડે છે.

આ પણ વાંચો : Mukesh Ambani નો રાઈટ હેન્ડ છે આ શખ્સ, કાર કલેક્શન પણ છે એકદમ દમદાર…

રાજ્ય પરિવહન વિભાગે સાત જાન્યુઆરીથી 2019 પહેલા રાજ્યમાં નોંધણી થયેલા તમામ વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાનો અમલ શરૂ કર્યો છે. પરિવહન વિભાગે જણાવ્યું હતું કે પહેલા બે દિવસમાં જ મુંબઇમાં આશરે 10 હજાર વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવામાં આવી છે.

વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવા માટે રાજ્ય આરટીઓ ઑફિસના ત્રણ ઝોનમાં ત્રણ જુદી જુદી સંસ્થાઓની નિમણૂક કરવામાં આવી છે. આ ત્રણે સંસ્થાઓને 31 માર્ચ સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. ઝોન-1માં 12 આરટીઓ કચેરી, ઝોન-2માં 16 આરટીઓ કચેરી અને ઝોન-3માં 27 આરટીઓ કચેરી આવેલી છે.

HSRP અર્થાત હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ શું છે?

HSRP આ એક પ્રકારની નંબર પ્લેટ છે, જે તમારી સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ નંબર પ્લેટ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. તેના પર અંગ્રેજીમાં ‘IND’ લખેલું હોય છે. આ પ્લેટ પર, ઉપરના ડાબા ખૂણા પર ક્રોમિયમ આધારિત અશોક ચક્રનો હોલોગ્રામ મૂકવામાં આવે છે, જેમાં વાહનની સંપૂર્ણ વિગતો હોય છે. તેમાં સુરક્ષા માટે ખાસ લેસર કોડ પણ છે. આ કોડ દરેક વાહન માટે અલગ છે. હોલોગ્રામ સ્ટેમ્પની બાજુમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર એમ્બોસ્ડ કરવામાં આવ્યો છે.

અકસ્માત સમયે આ નંબર પ્લેટ ઘણી કામમાં આવશે. જો ક્યારેય કોઈ વાહનનો અકસ્માત થાય તો વાહનના માલિક સહિતની તમામ જરૂરી માહિતી વાહન પર લગાવેલી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ પરથી મળી રહેશે. તેની મદદથી વાહન સવારના પરિવારજનોને માહિતી મોકલી શકાશે.

જો આ પ્લેટ એકવાર તૂટી જાય, તો તેને ફરીથી જોડી શકાતી નથી. આ પ્લેટની નકલ કરીને કોઈ નકલી પ્લેટ બનાવી શકાતી નથી, તેથી આ પ્લેટ ચોરાઈ જવાની અથવા તેનો દુરુપયોગ થવાની શક્યતા ઘણી ઓછી છે.

આ પણ વાંચો : કંગનાની “ઇમરજન્સી” ફિલ્મ સૌથી પહેલી નીતિન ગડકરીએ જોઈને આપી કંઇક અલગ પ્રતિક્રિયા…

જો તમે હજુ સુધી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવી નથી, તો તેને તુરંત જ ઈન્સ્ટોલ કરાવી લેજો નહીંતર તમારું વાહન જપ્ત થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button