મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 29 જિલ્લામાં પાકને નુકસાન: કૃષિ પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું હોવાથી ઘણા જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચનામાનું કામ અંતિમ તબક્કામાં છે અને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે.
કોઈપણ ખેડૂત સહાયથી વંચિત રહેશે નહીં અને સરકાર ખેડૂતોની પડખે મજબૂત રીતે ઉભી છે, એમ કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણેએ જણાવ્યું હતું.
આપણ વાંચો: દેશમાં ચોમાસું જામ્યું
રાજ્યના 29 જિલ્લાના 191 તાલુકામાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન વરસાદને કારણે 654થી વધુ મહેસૂલ બોર્ડમાં ખરીફ પાકને નુકસાન થયું છે.
રાજ્યમાં 14,44,749 હેક્ટર (36,11, 872.5 એકર) જમીનને અસર થઈ છે. આમાંથી 12 જિલ્લા એવા છે જ્યાં 10 હજાર હેક્ટરથી વધુ જમીનને અસર થઈ છે. 15 થી 20 ઓગસ્ટ દરમિયાન પડેલા સૌથી વધુ વરસાદથી કૃષિ પાકોને સૌથી વધુ નુકસાન થયું છે, એવી માહિતી કૃષિ પ્રધાને આપી હતી.
આપણ વાંચો: રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું: 142 તાલુકામાં વરસાદ નોંધાયો…
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા:
નાંદેડ – 6,20,566 હેક્ટર,
વાશિમ – 1,64,557 હેક્ટર,
યવતમાળ – 1,64,932 હેક્ટર,
ધારાશિવ – 150,753,
બુલઢાણા – 89,782 હેક્ટર,
અકોલા – 43,828 હેક્ટર,
સોલાપુર – 47,266 હેક્ટર,
હિંગોલી – 40,000 હેક્ટર.
આ વિસ્તારોમાં સૌથી વધુ અસરગ્રસ્ત પાકમાં સોયાબીન, મકાઈ, કપાસ, અડદ, તુવેર, મગનો સમાવેશ થાય છે. કેટલેક જગ્યાએ શાકભાજી, ફળ, બાજરી, શેરડી, ડુંગળી, જુવાર અને હળદરના પાકને પણ અસર થઈ છે.
કુલ અસરગ્રસ્ત જિલ્લામાં નાંદેડ, વાશિમ, યવતમાળ, બુલઢાણા, અકોલા, સોલાપુર, હિંગોલી, ધારાશિવ, પરભણી, અમરાવતી, જલગાંવ, વર્ધા, સાંગલી, અહિલ્યાનગર, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, લાતુર, ધુલે, જળગાંવ, રત્નાગીરી, ચંદ્રપુર, સાતારા, નાસિક, કોલ્હાપુર, સિંધુદુર્ગ, ગઢચિરોલી, રાયગઢ અને નાગપુરનો સમાવેશ થાય છે.