આમચી મુંબઈ

અતિક્રમણ, અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા સરકાર ગંભીર: માધુરી મિસાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્ય અને મુંબઈ શહેરમાં અનધિકૃત બાંધકામની સમસ્યા વધી રહી છે. એક કાયદો છે જે સત્તાવાર બાંધકામના કિસ્સાઓમાં સંબંધિત અધિકારીને જવાબદાર ઠેરવે છે. જોકે, આનો કડક અમલ થયો હોય તેવું લાગતું નથી. આજ સુધી તે કાયદા હેઠળ કોઈપણ સંબંધિત અધિકારી કે કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, નગરવિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળે વિધાન પરિષદને એવી માહિતી આપી હતી કે, સરકાર અતિક્રમણ અને અનધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે ગંભીર છે અને કાયદામાં રહેલી છટકબારીઓને રોકવા માટે પગલાં લઈ રહી છે.

અનધિકૃત બાંધકામોને રોકવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો છે, પરંતુ તેનો કડક અમલ થઈ રહ્યો નથી એમ બુધવારે વિધાનપરિષદમાં વિધાનસભ્યો સચિન આહિર, અનિલ પરબ, ભાઈ જગતાપ, પ્રવીણ દરેકર, સુનિલ શિંદેએ ઉપસ્થિત કરેલા ધ્યાનાકર્ષક મુદ્દાના જવાબમાં મિસાળ ગૃહમાં બોલી રહ્યા હતા.

આ પણ વાંચો: મુંબઈમાં અનધિકૃત બાંધકામોની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ કરશે: ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત

નગરવિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળે જણાવ્યું હતું કે, મુંબઈ શહેરમાં 7,951 અનધિકૃત બાંધકામો છે, જેમાંથી 1,211 અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે 2,115 કેસ ન્યાયિક પ્રક્રિયામાં છે, ત્યારે 169 કેસ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર સુધારણા માટે મોકલવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર કોઈપણ અનધિકૃત બાંધકામ કે અધિકારીને સમર્થન આપશે નહીં તેમ જણાવતાં મિસાળે ઉમેર્યું હતું કે અનધિકૃત બાંધકામ માટે સંબંધિતો સામે કેસ નોંધાયા છે. કેટલાક કેસ કોર્ટમાં હોવાથી અમે તત્કાળ કાર્યવાહી કરી શકતા નથી, પરંતુ તેમની સામે શું પગલાં લઈ શકાય? એના માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો: કલ્યાણ-ડોંબિવલીમાં સરકારી જમીન ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનો રિપોર્ટ

દરમિયાન, રાજ્યકક્ષાના પ્રધાન મિસાળે સુનિલ શિંદેના પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે, રઘુવંશી મિલમાં અનધિકૃત બાંધકામની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button