સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિનું વિસર્જન દરિયામાં કરવાનો માર્ગ ખુલ્લો...

સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિનું વિસર્જન દરિયામાં કરવાનો માર્ગ ખુલ્લો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પર્યાવરણનું જતન કરનારી ઘરની મૂર્તિઓ કૃત્રિમ તળાવ અને સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મૂર્તિઓને પરંપરાગત રીતે દરિયામાં વિસર્જન કરવામાં આવશે અને પર્યાવરણની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આવશ્યક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવશે એવી એફિડેવિડ બુધવારે રાજ્ય સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં રજૂ કરી હતી. તેથી હવે મોટી ગણેશમૂર્તિઓના દરિયામાં વિસર્જન કરવાને લઈને સાર્વજનિક મંડળોમાં મૂંઝવણ હતી તે દૂર થવાની શક્યતા છે. જોકે રાજ્ય સરકારની એફિડેવિડ બાદ હાઈ કોર્ટના નિર્ણય પર સાર્વજનિક મંડળોની નજર છે.

પ્લાસ્ટર ઓફ પૅરિસ પરના પ્રતિબંધને કારણે મૂર્તિકારોની રોજગારી છીનવાઈ જશે અને એક મોટો ઉદ્યોગ આર્થિક રીતે અડચણમાં આવી જશે એવું કારણ રાજ્ય સરકાર દ્વારા આગળ કરવામાં આવ્યું હતું. એ બાબતે રાજીવ ગાંધી સાયન્સ ટેક્નોલોજી કમિશનેે પીઓપીને કારણે પર્યાવરણ અને દરિયાઈ સૃષ્ટિને થનારા નુકસાનને લઈને અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે અમુક સૂચના અને ભલામણ રાજ્ય સરકારને કરી હતી.

બાદમાં આ અહેવાલ કેન્દ્રીય પર્યાવરણ વિભાગે કોર્ટમાં સબમીટ કર્યો હતો અને ત્યારબાદ કોર્ટે પીઓપી વાપરવા પર મૂકેલા પ્રતિબંધને હટાવ્યો હતો અને મોટી ગણેશમૂર્તિના વિસર્જન કયાં કરવા તે બાબતે રાજ્ય સરકારને એફિડેવિડ રજૂ કરવા માટે કહ્યું હતું. સરકારે પીઓપીની મૂર્તિના વિસર્જનને લગતો અભ્યાસ કર્યા બાદ હાઈ કોર્ટમાં અહેવાલ સબમીટ કર્યો હતો અને હવે હાઈ કોર્ટ તે બાબતે આગામી દિવસમાં આદેશ આપશે. આ દરમ્યાન મુંબઈમાં ગણેશમૂર્તિના દરિયામાં વિસર્જન બાબતે પરંપરાનું સન્માન રાખીને વિસર્જન થશે એવી ભૂમિકા સરકારે રાખી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button