મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે બાંગ્લાદેશીના નકલી જન્મ પ્રમાણપત્રો 15 ઓગસ્ટ સુધીમાં રદ થશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને અપાયેલા નકલી બર્થ સર્ટિફિકેટો 15 ઓગસ્ટ સુધીમાં રદ કરશે એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.
બાવનકુળેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવા 42 હજાર બાંગ્લાદેશીઓ હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત વાસ્તવિક સંખ્યા વધુ છે જેની જાણકારી અધિકારીઓ મેળવશે. 15 ઓગસ્ટ સુધીમાં (રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા) બાંગ્લાદેશીઓને આપવામાં આવેલા નકલી બર્થ સર્ટિફિકેટ રદ કરવામાં આવશે. આવા બર્થ સર્ટિફિકેટોની નકલ મહેસૂલ વિભાગ અને આરોગ્ય વિભાગને મોકલવાની રહેશે. પ્રધાને મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ કર્યો હતો કે બનાવટી દસ્તાવેજો રજૂ કરનારા બાંગ્લાદેશીઓને 3 હજાર 997 બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ આરોપને પગલે રાજ્ય સરકારે માલેગાંવમાં અગાઉ તૈનાત કરેલા બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
માર્ચ મહિનામાં ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમે કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર રાજ્ય સરકાર અગાઉ ક્યારેય ન કરાઈ હતી તેવી કડક કાર્યવાહી કરી રહી છે.
2021માં રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા 109 બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2022માં 77 અને 2023માં 127ને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો : નવી મુંબઈમાં વૃદ્ધના ઘરમાંથી 85 લાખનું સોનું ચોર્યું: ત્રણ નોકરાણી વિરુદ્ધ ગુનો
2024માં 716 ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 202 ને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. માર્ચ 2024 સુધી રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા 600 બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. (પીટીઆઈ)