આમચી મુંબઈ

જાતિ અને ધર્મને આધારે લોકોને ઘર નકારવું નિરાશાજનક: રાજ્યપાલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને કહ્યું હતું કે એવું સાંભળવા મળે કે લોકોને જાતિ અને ધર્મને આધારે ઘર નકારવામાં આવી રહ્યા છે તે અત્યંત નિરાશાજનક છે અને આ ભેદભાવ ખતમ થવો જોઈએ. ‘લોકમત વર્લ્ડ પીસ એન્ડ હાર્મની થ્રુ ઈન્ટરફેઈથ ડાઈલોગ’ પરિષદમાં બોલતાં રાજ્યપાલે મંગળવારે એવું કહ્યું હતું કે આંતરધર્મીય સંવાદનો વિચાર નવો નથી અને આ સંવાદ વિભાજિતને જોડવાનું અને પૂર્વગ્રહને ખતમ કરવાનું કામ કરી શકે છે.

બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ વિજય દર્ડા, જેઓ લોકમત મીડિયા ગ્રુુુપના ચેરમેન પણ છે તેઓ હાજર હતા. બહુભાષી અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા સમાજમાં આવશ્યક છે કે આપણે નાગરિકોને બધા જ ધર્મનું સન્માન કરતાં શીખવીએ. આની શરૂઆત સ્કૂલો અને કોલેજોમાંથી થવી જોઈએ, એમ રાધાકૃષ્ણને કહ્યું હતું.
સ્કૂલો અને કોલેજોને બધા જ ધર્મના તહેવારોની ઉજવણી કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. ધર્મનિરપેક્ષતાના નામ હેઠળ આપણે વિદ્યાર્થીઓને બધા જ ધર્મના તહેવારોની ઉજવણી કરતાં રોકીએ છીએ.

વાલીઓએ તેમના બાળકોને વિવિધ ધર્મના સ્થળોથી માહિતગાર કરવા જોઈએ જેથી તેમને અન્ય ધર્મો પ્રત્યે આદર અને સન્માન થશે, એમ તેમણે કહ્યું હતું. આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ ભાષા, ચામડીના રંગ કે પછી ધર્મ પર આધારિત નથી. ભારતીય સંસ્કૃતિમાં કર્મનું અત્યંત મહત્ત્વ છે. જે કરશો તે પાછું મળશે. દરેક કર્મના પરિણામો હોય છે. આપણે ભારતીયોએ ક્યારેય આપણા વૈવિધ્યે આપણને નબળા પડવા દીધા નથી. બહુવિધતા કુદરતી ન્યાય છે અને તેનું સન્માન થવું જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.

વિજય દર્ડાએ કહ્યું હતું કે બંધુત્વ, લોક કલ્યાણ, વિશ્વ શાંતી, લાગણી અને ક્ષમા જેવા મુલ્યો પર ધ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક છે.

આપણ વાંચો : મુંબઈને પાણીની સમસ્યામાંથી ઉગારવા કેન્દ્ર હસ્તક્ષેપ કરે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button