અહમદનગર અને વેલ્હે તાલુકાનું નામ બદલવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
મુંબઈ: દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ અને જિલ્લાઓના નામ બદલવાનો સિલસિલો ચાલુ છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ જિલ્લાઓનું નામ બદલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં અહમદનગરનું નામ બદલવાનો નિર્ણય મહારાષ્ટ્ર પ્રધાન મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
અહિલ્યાબાઇ હોલકરના કાર્યો તે દરેક લોકનેતાને પ્રેરણા આપનારા છે અને તેમનાથી પ્રેરણા લઇને લોકહિતના કાર્યો કરવાની પ્રેરણા જનનાયકોને મળે એ હેતુથી અહમદનગરનું નામ બદલાવીને પુણ્યશ્ર્લોક અહિલ્યાદેવી નગર કરવાનો નિર્ણય પ્રધાન મંડળમાં લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક એવા કિલ્લા રાજગઢના તાલુકાનું નામ પણ બદલાવવામાં આવ્યું હતું. રાજગઢ કિલ્લો જે તાલુકમાં આવેલો છે તેનું નામ વેલ્હે હતું. જોકે, હવેથી આ તાલુકાનું નામ બદલાવીને રાજગઢ કરી દેવામાં આવ્યું છે. પુણેમાં આવેલા આ તાલુકાને હવેથી રાજગઢ તરીકે ઓળખવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજે આ કિલ્લા ઉપરથી 27 વર્ષ સુધી હિંદવી સ્વરાજનો કારભાર ચલાવ્યો હતો અને તેથી જ તાલુકાનું નામ વેલ્હેથી બદલાવીને રાજગઢ કરવાનો નિર્ણય પ્રધાનમંડળની બેઠકમા લેવામાં આવ્યો હતો.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે એક જિલ્લા અને તાલુકાના નામ બદલવાની સાથે મુંબઈના મહત્ત્વના રેલવે સ્ટેશનના નામ બદલવાના પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી હતી. મુંબઈના મહત્ત્વના સ્ટેશનના નામ બદલવાની યાદીમાં આવતા મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના સ્ટેશનનો સમાવેશ થાય છે.
હાર્બર લાઈનમાં કોટન ગ્રીનને કાલાચોકી, ડોકયાર્ડને મઝગાંવ અને કિંગ્સ સર્કલને તીર્થંકર પાર્શ્વનાથ, કરી રોડને લાલબાગ, સેન્ડહર્સ્ટ રોડને ડોંગરી, પશ્ચિમ રેલવેના મરીન લાઇન્સ મુંબાદેવી, ચર્ની રોડને ગિરગાંવ, મુંબઈ સેન્ટ્રલને જગન્નાથ શંકરશેઠ કરવાની દરખાસ્ત છે.