મહારાષ્ટ્ર સરકારની ‘મેડ ઇન પાકિસ્તાન’ ઉત્પાદનો વેચનારાઓ સામે લાલ આંખ, એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી કરાશે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાકિસ્તાનમાં બનેલા ઉત્પાદનો વેચતા ઓનલાઈન પ્લેટફોર્મ સામે કડક વલણ અપનાવ્યું છે. એક ન્યૂઝ ચેનલ પર સરકારનું વલણ સ્પષ્ટ કરતાં ફડણવીસે કહ્યું હતું કે પાકિસ્તાની સામાન ઓનલાઈન વેચતા તમામ પોર્ટલ સામે એફઆઈઆર દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે બુધવારે અમે બતાવ્યું હતું કે કેવી રીતે એમેઝોન અને મીશો જેવા પ્લેટફોર્મ પર પાકિસ્તાની ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. દિલ્હી, મેરઠ, માલેગાંવમાં પાકિસ્તાની ઉત્પાદનોના ડીલરો છે જેઓ ઓનલાઈન ઓર્ડર મળતાં સમગ્ર દેશમાં માલ સપ્લાય કરે છે.
કેન્દ્રે ઈ-કોમર્સ પ્લેટફોર્મને નોટિસ મોકલી
અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન પ્રહલાદ જોશીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ પાકિસ્તાની ધ્વજ અને સંબંધિત વસ્તુઓના વેચાણ અંગે એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, યુબાય ઇન્ડિયા, એટ્સી, ધ ફ્લેગ કંપની અને ધ ફ્લેગ કોર્પોરેશનને નોટિસ ફટકારી છે. જોશીએ કહ્યું હતું કે, આવી બિનસંવેદનશીલતા સહન કરવામાં આવશે નહીં. ઈ-કોમર્સ પ્લેટફોર્મને આવી બધી સામગ્રી તાત્કાલિક દૂર કરવા અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારની નોટિસ પછી એમેઝોન ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ એક ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે કામ કરે છે જ્યાં સ્વતંત્ર તૃતીય-પક્ષ વિક્રેતાઓ તેમના ઉત્પાદનો ઓફર કરે છે અને વેચે છે. તેમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે વિક્રેતાઓ એવા ઉત્પાદનો ઓફર કરે જે ભારતીય પ્રવર્તમાન કાયદાઓ અને એમેઝોનની નીતિઓનું પાલન કરે.
વિજય વડેટ્ટીવારના નિવેદન પર ફડણવીસનો જવાબ: મુર્ખાઓને જવાબ આપતો નથી
કોંગ્રેસના વિધાનસભ્ય વિજય વડેટ્ટીવારના ડ્રોન અને મિસાઈલની કિંમત અંગેના વિવાદાસ્પદ નિવેદન પર જવાબ આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે હું મૂર્ખાઓને જવાબ આપતો નથી. તેમને ખબર નથી કે લશ્કર દ્વારા યુદ્ધમાં વાપરવામાં આવતા ડ્રોન શું છે. જેમને મિસાઇલ, ડ્રોન અને ખેતી માટે વપરાતા ડ્રોન વચ્ચેનો તફાવત ખબર નથી તેમના વિશે હું શું કહી શકું? તેમને દેશ સાથે કોઈ લેવાદેવા નથી. તેમને ફક્ત વિવાદ કરવો છે.
આ પણ વાંચો…૩૧મી પહેલાં રસ્તા સમથળ કરો: એડિશનલ કમિશનરનો આદેશ…