Budget: વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે Rs 1.30 લાખ કરોડની મહારાષ્ટ્ર સરકાર લેશે લોન
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે બજેટ (Maharashtra Budget) રજૂ કર્યું તેમાં સામાન્ય વર્ગ માટે અનેક યોજનાઓ ઉપરાંત અનેક વિકાસલક્ષી કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ખર્ચની સાથે સાથે સરકારના કરજમાં પણ આ વર્ષે વધારો થવાનો છે, જેની કબૂલાત સરકારે જ બજેટના દસ્તાવેજોમાં કરેલી છે.
બજેટના દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર વિવિધ યોજના અને વિકાસ કાર્યો માટે મહારાષ્ટ્ર સરકારે 1,30,000 કરોડ રૂપિયાના કરજનો પ્રસ્તાવ મૂક્યો છે. આર્થિક વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય સરકાર પર 7,11,000 કરોડ રૂપિયાનું કરજ હતું.
દર વર્ષે આશરે 60થી 70,000 કરોડ રૂપિયાનું કરજ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. જોકે, આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોઇ કરજમાં પણ વધારો થશે. સરકારે 60-70 હજાર કરોડ રૂપિયાને બદલે 1,30,000 કરોડ રૂપિયાનું કરજ પ્રસ્તાવિત કર્યું છે.
આ પણ વાંચો: Maharashtra budget: સરકારે સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સના જવાનોને બિઝનેસ ટેક્સમાંથી મુક્તિ આપી
સરકારે જાહેર કરેલી યોજનાઓ પૂરી કરવા માટે ભંડોળની જરૂર હોઇ આ કરજ લેવામાં આવશે. સરખામણીએ વિવિધ વર્ગો માટેની યોજનાઓ પાછળ આ વખતે વધુ ખર્ચ કરવામાં આવશે જ્યારે વિકાસ કાર્યો પાછળ ઓછો ખર્ચ કરવામાં આવશે. ખાસ કરીને પાયાભૂત સુવિધાઓ પૂરી પાડવા પાછળ સરકાર દ્વારા ખર્ચ કરાશે.
આખા દેશમાં સૌથી વધુ કરજ લેનારા રાજ્યોમાં પ્રથમ રાજ્યો તમિલનાડુ છે જે આ વર્ષે 1,55,000 કરોડ રૂપિયાનું કરજ લેશે જ્યારે ત્યાર બાદ મહારાષ્ટ્રનો ક્રમાંક આવે છે. મહારાષ્ટ્રએ 1,30,000 કરોડ રૂપિયાના કરજનો પ્રસ્તાવ મૂકતા સૌથી વધુ કરજ લેનારા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે પહોંચી જશે. આ કરજમાંથી 79 ટકા કરજ ખુલ્લા બજારમાંથી સસ્તા વ્યાજે લેવામાં આવશે. આ કરજ લીધા બાદ રાજ્ય પર કરજનો કુલ બોજો વધીને 8,30,000 કરોડ રૂપિયા જેટલો થશે