આમચી મુંબઈ

સ્કૂલોના નામમાં ‘ઈન્ટરનેશનલ’, ‘ગ્લોબલ’ અને ‘સીબીએસઈ’ સંદર્ભની સરકાર કરશે સમીક્ષા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના લોકોને ગેરમાર્ગે દોરતા અથવા તો ખોટી પરિભાષા દર્શાવતા નામની સમીક્ષા અને તેના પર નિયમન લાવવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.શાળા શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે એવી માહિતી આપી હતી કે રાજ્યમાં ઘણી સંસ્થાઓ જરૂરી માપદંડોને પૂર્ણ કર્યા વિના તેમના નામોમાં ‘ઈન્ટરનેશનલ’, ‘ગ્લોબલ’ અને ‘સીબીએસઈ’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

15 ડિસેમ્બરે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક સરક્યુલરમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ નિયામક દ્વારા કહેવામાં આવ્યું હતું કે શાળાઓના નામોમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે, રાજ્ય બોર્ડ, આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલી કેટલીક શાળાઓ એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે વાલીઓ, વિદ્યાર્થીઓ અને જનતામાં મૂંઝવણ પેદા કરી શકે છે.

‘આવા નામો ધરાવતી હાલની શાળાઓની પણ સમીક્ષા કરવામાં આવશે. જ્યાં સુધી શાળાઓની શાખાઓ બે કે તેથી વધુ દેશોમાં ન હોય, ત્યાં સુધી તેઓ પોતાને વૈશ્ર્વિક કહી શકતા નથી. વધુમાં, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશન અથવા ઇન્ટરનેશનલ બેકલેરિએટ (આઈબી) સાથે જોડાયેલી ન હોય તેવી શાળાઓએ ‘ઈન્ટરનેશનલ’ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ,’ એમ અધિકારીએ જણાવ્યું હતું.

ભવિષ્યમાં શાળા માન્યતા માટે નવી દરખાસ્તોની તપાસ કરતી વખતે, શાળાનું નામ, તેના બોર્ડ જોડાણ અને માધ્યમ અને સંસ્થા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય શાળાઓ ચલાવે છે કે કેમ તેના પર વિગતવાર વિચારણા કરવી જોઈએ, એમ આ સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે.

જો કોઈ નામ ગેરમાર્ગે દોરનારું જણાય, તો રાજ્ય સત્તાવાળાને દરખાસ્તની ભલામણ કરતા પહેલા શાળાઓને તે બદલવા માટે કહેવામાં આવશે, એમ સરક્યુલરમાં જણાવવામાં આવ્યું છે.‘વિભાગે મહારાષ્ટ્રમાંથી 11 નવી શાળાઓના નામ પ્રકાશિત કર્યા છે જ્યાં ‘ઈન્ટરનેશનલ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફિલ્ડ અધિકારીઓને સુધારેલા દરખાસ્તો સબમિટ કરતા પહેલા ચકાસણી કરવા માટે કહેવામાં આવ્યું છે.

આવા સંજોગોમાં, આવા નામોથી સરકાર, સમાજ, વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાની શક્યતા નકારી શકાય નહીં,’ એમ પણ સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે.10 ડિસેમ્બરના રોજ યોજાયેલી એક બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે રાજ્ય-સ્તરીય સત્તાવાળા નવી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની મંજૂરી અને અપગ્રેડેશન માટેની દરખાસ્તોની ચકાસણી કરી રહ્યા હતા.

એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શાળાના નામોમાં ગેરમાર્ગે દોરનારા શબ્દોનો ઉપયોગ માતાપિતા અને વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર કરી શકે છે અને તેથી, આવી શાળાઓને તેમના નામ બદલવાની સૂચના આપવી જોઈએ.‘મરાઠી-માધ્યમની સંસ્થાઓ તરીકે મંજૂર કરાયેલી કેટલીક શાળાઓ તેમના નામોમાં ‘અંગ્રેજી માધ્યમ’ શબ્દનો ઉપયોગ કરી રહી છે.

‘ગ્લોબલ’ અથવા ‘ઈન્ટરનેશનલ’ જેવા શબ્દોનો ઉપયોગ ફક્ત ત્યારે જ થવો જોઈએ જ્યારે કોઈ શાળાની શાખાઓ વિદેશમાં હોય અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બોર્ડ સાથે જોડાયેલી હોય. શાળાઓના નામોમાં ‘સીબીએસઈ’ શબ્દનો ઉપયોગ કાયદેસર રીતે યોગ્ય નથી, કારણ કે તે કેન્દ્ર સરકારના પરીક્ષા બોર્ડનો ઉલ્લેખ કરે છે,’ એમ પણ આ સરક્યુલરમાં જણાવાયું છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ‘ખોટા’ જન્મ-મરણ પ્રમાણપત્રો તાત્કાલિક રદ થશે; 14 જિલ્લાઓ રડાર પર!

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button