મુંબઈ પોલીસ માટે ટાઉનશિપ પ્રોજેક્ટનો પ્રસ્તાવ…

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે શહેરમાં 45 હજારથી વધુ કોન્સ્ટેબલ અને અધિકારીઓને ઘરની ફાળવણી કરવા મહત્વાકાંક્ષી મુંબઈ પોલીસ હાઉસિંગ ટાઉનશિપ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ મહાનગરમાં 75 પ્લોટ પર પોલીસ માટે રહેણાંક ક્વાર્ટર્સ બનાવવામાં આવશે.
ગૃહ વિભાગે આ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા અને ભલામણો રજૂ કરવા માટે અધિક મુખ્ય સચિવ (ગૃહ) ઇકબાલ સિંહ ચહલની અધ્યક્ષતામાં 15 સભ્યની ઉચ્ચસ્તરીય સમિતિની રચવાનો સરકારી ઠરાવ (જીઆર) અથવા આદેશ જારી કર્યો છે. સુચિત પ્રોજેક્ટ હેઠળ સરકાર 40 હજાર કોન્સ્ટેબ્યુલરી સભ્યો, 5 હાજર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર તેમજ વરિષ્ઠ અધિકારીઓ માટે ઘર બાંધવાની યોજના છે.
જીઆર અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર 45 ચોરસ મીટરના ઘર માટે હકદાર હશે, જ્યારે વરિષ્ઠ અધિકારીઓ 60 થી 120 ચોરસ મીટર અને તેથી વધુના ઘર માટે પાત્ર હશે. હાલમાં મુંબઈ પોલીસની સંખ્યા 51 હજાર 308 છે. આ દળ 94 પોલીસ સ્ટેશન, પાંચ સ્થાનિક શસ્ત્ર વિભાગો અને અન્ય ઘણી વિશિષ્ટ શાખાઓ દ્વારા કાર્યરત છે.
જોકે, પોલીસ કર્મચારીઓ માટે માત્ર 19 હજાર 762 ક્વાર્ટર્સ ઉપલબ્ધ છે અને એમાં લોકો રહે છે. એમાંથી 16 હજાર 958 ક્વાર્ટર્સ માત્ર 100 થી 300 ચોરસ ફૂટના છે અને તે જૂની બ્રિટિશ યુગની ઇમારતોમાં સ્થિત છે. મોટા ભાગના પોલીસ કર્મચારીઓ તેમના કાર્યસ્થળ પર પહોંચવા માટે કર્જત, કસારા, રાયગઢ અને પાલઘરથી દરરોજ 80 થી 100 કિમીની મુસાફરી કરતા હોવાથી વિલંબ થાય છે અને માનસિક પરેશાની પણ થાય છે.
 
 
 
 


