સરકારી આદેશ જારી: 2026ની 24 જાહેર રજાઓમાં આ રજાનો સમાવેશ

મુંબઈ: મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાનની ટકાવારી વધારવાને ઇરાદે રાજ્ય સરકાર દ્વારા 15 જાન્યુઆરીએ જાહેર રજાનો આદેશ જારી કરાયો હતો. 2026ની 24 જાહેર રજાઓમાં આ રજાનો સમાવેશ કરવાનો પણ નિર્ણય સરકારે લીધો હતો.
રાજ્યની 29 મહાપાલિકાની ચૂંટણી માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે. મતદારો મતદાનની ફરજ બજાવી શકે તે માટે આગામી ગુરુવારે રજા કરવામાં આવી હતી. જોકે સરકારે અગાઉ જાહેર કરેલી આ રજાનો 2026ની 24 સાર્વજનિક રજામાં સમાવેશ નહોતો. હવે તેને સાર્વજનિક રજામાં ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘આ સાર્વજનિક રજા માત્ર મુંબઈ શહેર, ઉપનગર અને જિલ્લાના 29 મહાપાલિકા વિસ્તારમાં લાગુ રહેશે, એવું અખબારી યાદીમાં જણાવાયું હતું.
આ રજાને કારણે મુંબઈ શૅરબજાર બંધ રહેવાની શક્યતા છે. જોકે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આ બાબતે હજુ કોઈ અધિકૃત જાહેરાત કરી નથી. આવતા ગુરુવારે સવારે 7.30થી સાંજે 5.30 સુધી મતદાન કરી શકાશે.
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની રજા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. સંબંધિત સંસ્થાને પોતાના કર્મચારીઓને રજા આપવી કે નહીં તેનો નિર્ણય લેવાનો અધિકાર છે. મોટા ભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને મતદાન માટે સવારે અથવા સાંજે બે કલાકની છૂટ આપવાનો નિર્ણય લઈ શકે છે.



