મહારાષ્ટ્ર સરકારનો નવો નિર્ણયઃ કેબિનેટ બેઠકોની ગુપ્તતા જાળવવા નવા નિયમો જાહેર…

મુંબઈ: રાજ્યમાં પ્રધાનો, સચિવો, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલયના અધિકારીઓ સિવાય કોઈ પણ અધિકારી મુખ્ય સચિવની પરવાનગી વિના રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં હાજરી આપી શકશે નહીં, એવી જાહેરાત કરવામાં આવી હતી
તેમ જ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન કાર્યાલયના અધિકારીઓ, જેમણે કેબિનેટ બેઠકમાં હાજરી આપવી જરૂરી છે, તેમની યાદી મુખ્ય સચિવ કાર્યાલયને જણાવવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. તેથી હવે રાજ્ય પ્રધાનમંડળની બેઠકોમાં હાજર રહેતા અનધિકૃત અધિકારીઓ પર અંકુશ મૂકાશે.
પ્રધાનમંડળની બેઠકની ગુપ્તતા જાળવવા માટે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તમામ અધિકારીઓ અને પ્રધાનોને ચેતવણી આપ્યા બાદ, પ્રધાનમંડળની બેઠકમાં થતા આકરા વાદવિવાદો બહાર આવવાનું કંઈક અંશે બંધ થયું છે.
જોકે, કેટલાક પ્રધાનો અને અધિકારીઓ મીડિયાને માહિતી આપી રહ્યા હોવાની શંકાને આધારે, મુખ્યપ્રધાને આ પણ બંધ કરવા કહ્યું અને કેબિનેટ બેઠકોમાં ફક્ત પ્રધાન અને સચિવ સ્તરના અધિકારીઓને જ પ્રવેશવાની મંજૂરી આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જોકે, ગયા મહિને, એક પ્રધાનના ખાસ કાર્યકારી અધિકારી પરવાનગી વિના કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. અંતે મુખ્યપ્રધાને પોલીસને બોલાવીને તેમને ત્યાંથી જવા કહ્યું હતું.

રાજ્યના મુખ્ય સચિવ રાજેશ કુમારે સોમવારે કેબિનેટ બેઠકોમાં હાજરી આપતા અધિકારીઓ માટે આચારસંહિતા જારી કરી હતી, જેમાં જણાવાયું છે કે,
. હવેથી, ફક્ત પ્રધાનમંડળના સભ્યો અને પ્રધાનમંડળને વિચારણા માટે રજૂ કરાયેલા મુદ્દાઓ સાથે સંબંધિત મંત્રાલયના સચિવોએ જ પ્રધાનમંડળની બેઠકમાં હાજરી આપવાની રહેશે.
. જો સચિવ સાથે અન્ય અધિકારીઓનું હાજર રહેવું જરૂરી હોય, તો સંબંધિત અધિકારીઓએ કેબિનેટ બેઠકમાં હાજરી આપવા માટે મુખ્ય સચિવની પૂર્વ પરવાનગી લેવી જરૂરી બનાવવામાં આવી છે.
. ફક્ત મુખ્ય પ્રધાન કાર્યાલય અને નાયબ મુખ્યપ્રધાન કાર્યાલયના અધિકારીઓની યાદી જ આ કાર્યાલયને મોકલવી જોઈએ, જેમને કેબિનેટ બેઠકમાં હાજરી આપવી જરૂરી છે.
. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા સૂચિત અધિકારીઓની યાદી ઉપરાંત, મંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓને પૂર્વ પરવાનગી વિના કેબિનેટ મીટિંગ હોલમાં પ્રવેશવાની મનાઈ રહેશે.
. પ્રધાનમંડળની બેઠકમાં વિભાગના પ્રમુખથી નીચેના કક્ષાના ન હોય તેવા અધિકારીઓની હાજરી માટે પ્રધાનમંડળના વિભાગોના સચિવોને મુખ્ય સચિવ પાસેથી પૂર્વ લેખિત પરવાનગી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.
આ પણ વાંચો…પૂરમાં કૃષિ સંબંધિત ૪૦ ટકા વિસ્તાર નષ્ટ થયો છે: પ્રધાન…