બોગસ પેથોલોજી લેબ પર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર સરકાર નવો કાયદો લાવશે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંતે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બોગસ પેથોલોજી લેબ્સ પર કાર્યવાહી કરવા માટે એક કાયદો તૈયાર કર્યો છે જેનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવામાં આવશે.
રાજ્ય વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના પ્રધાન સામંતે જણાવ્યું હતું કે સૂચિત કાયદામાં યોગ્ય નિયમો અને નિયમનોનો સમાવેશ કરવામાં આવશે અને ઉલ્લંઘનને રોકવા માટે ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે નોંધણી વગરની પેથોલોજી લેબોરેટરીઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ મુદ્દો નગર વિકાસ, જાહેર આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગોને સાંકળી લેનારો છે, એમ પણ સામંતે જણાવ્યું હતું.
ભાજપના વિધાનસભ્યે કહ્યું હતું કે બોગસ પેથોલોજી લેબ પૈસા લૂંટી રહી છે અને લોકોના જીવ સાથે રમત કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ઉલ્લંઘન કરનારાઓ સામે ફોજદારી કેસોની માંગણી કરતાં વર્ષોથી શરૂ થયેલા કેટલાક કેન્દ્રોની નોંધણી થવી જોઈએ.
આ પણ વાંચો : સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ વિધાન પરિષદમાં મંજૂર
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર નવા કાયદાને જલ્દી અમલમાં ન લાવી શકે તો નર્સિંગ હોમ એક્ટમાં સુધારો કરવો જોઈએ.
આ અંગે પ્રધાને કહ્યું હતું કે નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર છે અને જો જરૂર પડશે તો નર્સિંગ હોમ એક્ટમાં પણ સુધારો કરવામાં આવશે.
ભાજપના યોગેશ સાગરે જણાવ્યું હતું કે પેથોલોજી લેબનો રિપોર્ટ કોઈપણ સર્જરી માટે આધાર માનવામાં આવે છે અને મોટા ભાગે ગરીબો જ ટેસ્ટિંગ માટે આવી બોગસ લેબમાં જાય છે.
પ્રધાને એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર પેરામેડિકલ કાઉન્સિલે 2019 થી 7,085 ઉમેદવારોને પેથોલોજી લેબ ચલાવવા માટે અધિકૃત કર્યા છે અને તેમાંથી 182 મુંબઈમાં હતા. મુંબઈમાં પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં 197 લેબ હતી. (પીટીઆઈ)