
વિપુલ વૈદ્ય
મુંબઈ: ઓલા, ઉબેર, રેપિડો જેવી ખાનગી કંપનીઓની એપ-આધારિત પેસેન્જર વાહન સેવાને નાગરિકોના મળતા ભારે પ્રતિસાદ અને આ સેવાઓ દ્વારા નાગરિકોની થઈ રહેલી લૂંટને રોકવાના હેતુથી, તેમ જ આ કંપનીઓ થોડા દિવસો પહેલા હડતાળ પર ઉતરી ત્યારે મુસાફરોને થયેલી પરેશાનીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર નવો વિકલ્પ શોધી રહી છે.
ઉપરાંત, આ કંપનીઓના ડ્રાઇવરોના ગેરવર્તન અને મુસાફરી દરમિયાન સલામતીની ચિંતા ઉપસ્થિત થાય છે. રાજ્ય સરકારે આ બધાનો ઉકેલ શોધી કાઢ્યો છે. રાજ્ય સરકાર એપ-આધારિત પેસેન્જર વાહન સેવા શરૂ કરવાનું વિચારી રહી છે, એવી માહિતી પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આપી છે.

મુસાફરોના પરિવહન માટે એપ-આધારિત રિક્ષા, ટેક્સી અને ઈ-બાઈક સેવાઓ હવે ફક્ત ખાનગી કંપનીઓ સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ પરિવહન વિભાગના સહયોગથી આવી સેવા શરૂ કરવામાં આવશે, એમ જણાવતાં સરનાઈકે એવી સ્પષ્ટતા કરી કે આના દ્વારા મરાઠી યુવાનોને રોજગારની મોટી તક મળશે.
આ એપનું નામ ’જય મહારાષ્ટ્ર’, ‘મહા-રાઇડ’, ‘મહા-યાત્રી’ અથવા ‘મહા-ગો’ રાખવાનો પ્રસ્તાવ છે. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સરકારી એપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્યપ્રધાનો (એકનાથ શિંદે અને અજિત પવાર)ની અંતિમ મંજૂરી સાથે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.

આ એપ વિકસાવવા માટે ‘મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી’ અને ‘મિત્રા’ સહિતની ખાનગી કંપનીઓ સાથે ચર્ચા શરૂ કરવામાં આવી છે. સિસ્ટમમાં પારદર્શકતા જાળવી રાખવા માટે આમાં તમામ જરૂરી પાસાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એપ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.
વાહન ખરીદી માટે પણ મદદ કરાશે!
આ યોજના હેઠળ મરાઠી યુવાનોને ખાસ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે, વાહન ખરીદી માટે મુંબૈ બેંક દ્વારા 10 ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવશે. મુંબૈ બેંકના ચેરમેન પ્રવીણ દરેકરે આની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે મુંબૈ બેંકની મદદથી, બેરોજગાર યુવાનોને આર્થિક સહાય ઉપલબ્ધ થશે.
અન્નાસાહેબ આર્થિક વિકાસ નિગમ, ભટકે વિમુક્ત નિગમ, ઓબીસી નિગમ અને એમએસડીસી દ્વારા સબસિડીના રૂપમાં 11 ટકા વ્યાજ પરત આપશે. તેથી, આ લોન વ્યાજમુક્ત જેવી બની રહેશે, એમ પણ સરનાઇકે સમજાવ્યું હતું.
ક્યાં સુધી પહોંચ્યું કામ?
કેન્દ્ર સરકારની એગ્રીગેટર માર્ગદર્શિકા અનુસાર, આ એપ્લિકેશનના નિયમો ઘડવાનું કામ અંતિમ તબક્કામાં છે. હાલમાં, ખાનગી સંસ્થાઓ અનધિકૃત એપ્લિકેશનો દ્વારા મોટો નફો રળી રહી છે. આ માટે, તે કંપનીઓ ડ્રાઇવરો અને મુસાફરોને લૂંટી રહી છે. સરકાર પાસે પુષ્કળ મશીનરી, ટેકનોલોજી અને માનવશક્તિ હોવાથી, જો સરકાર આવી એપ્લિકેશન વિકસાવશે, તો તેનાથી ફક્ત મુસાફરો જ નહીં પરંતુ ડ્રાઇવરોને પણ ફાયદો થશે, એવું માનવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં, આગામી પાંચમી ઓગસ્ટના રોજ મંત્રાલયમાં સંબંધિત પક્ષકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં એપ બનાવવાના ટેકનિશિયનો અને સરકારી અધિકારીઓ હાજર રહેશે, તેથી આ સરકારી એપ્લિકેશનને આ બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, એમ પણ પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું.
આ પણ વાંચો…ઓલા ડ્રાઈવર્સને મોટી રાહતઃ આ નિર્ણયથી મહેનતની પૂરી કમાણી આવશે ખિસ્સામાં…