મહારાષ્ટ્રમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય…

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે દુકાનો, હોટલો અને અન્ય સંસ્થાઓ હવે 24 કલાક ખુલ્લા રાખી શકાશે.
રાજ્યના ઉદ્યોગ, ઉર્જા, શ્રમ અને ખાણ વિભાગે આ નિર્ણયના અસરકારક અમલીકરણ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યમાં મોટાભાગની દુકાનો અને વ્યવસાયો હવે ચોવીસ કલાક ખુલ્લા રહી શકે છે. સરકારની જાહેરાત મુજબ દારૂની દુકાનો, બાર પરમિટ રૂમ, હુક્કા પાર્લર અને કન્ટ્રી બારને આ મામલે અપવાદ રહેશે.
ચોવીસ કલાક ખુલા રહેતા વ્યવસાયોને દરેક કર્મચારીને સતત 24 કલાકનો વિક ઓફ આપવો ફરજીયાત રહેશે, આ નિયમ મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, 2017 નો ભાગ છે.
કાયદાની કલમ 11 હેઠળ, રાજ્ય સરકારને કોઈ એક વિસ્તાર અથવા કેટલાક વિસ્તારો માટે દુકાનો, કમર્શિયલ કોમ્પ્લેક્સ અથવા મોલના ખુલવાનો અને બંધ થવાનો સમય નક્કી કરવાનો અધિકાર છે.
સરકારે નિયમનો યોગ્ય અમલ થાય એ માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગોને સુચના આપી છે. સરકારને આશા છે કે આ પગલાથી વ્યાપારિક પ્રવૃત્તિને વેગ મળશે.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર સરકારનો નવો નિર્ણયઃ કેબિનેટ બેઠકોની ગુપ્તતા જાળવવા નવા નિયમો જાહેર…