મહારાષ્ટ્રમાંથી આટલી છોકરીઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર: મહિલા કમિશનનો રિપોર્ટ
કોલ્હાપુર: મહારાષ્ટ્રમાંથી 16થી 22 વર્ષની પોણા બે હજાર જેટલી છોકરીઓ અને મહિલાઓ ગાયબ થયા હોવાની માહિતી મહિલા કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે. આ મહિલાઓ વિદેશમાં હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)નો શિકાર બની છે જેમાંથી માત્ર 27 છોકરીઓને જ રેસક્યું કરી મહારાષ્ટ્રમાં પાછી લાવવામાં મહિલા કમિશનને સફળતા મળી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
તાજેતરમાં મહિલા કમિશને છોકરીઓ અને તેમના પેરેન્ટ્સ વચ્ચે હ્યુમન ટ્રાફિકિંગ બાબતે જાગરુકતા ફેલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ બાબતે માહિતી આપતા મહિલા કમિશનના અધ્યક્ષે કહ્યું હતું કે છોકરીઓની સૌથી મોટી જવાબદારી તેમના પરિવાર અને માતા-પિતાની હોય છે એટલે તમારા બાળકોથી વાત કરો. પ્રેમ અને પરિવારની આર્થિક પરિસ્થિતિને લઈને અનેક છોકરીઓ ઓમાન, મસ્કત જેવા દેશમાં રોજગાર મેળવવાની આશાએ જાય છે પણ ત્યાં તેઓ હ્યુમન ટ્રાફિકિંગના જાળમાં ફસાઈ જાય છે.
મહિલા કમિશન દ્વારા બાલવિવાહને રોકવા માટે દરેક ઓફિસ, સમાજ મંદિર અને લગ્ન હૉલમાં છોકરીની ઉંમરનું પ્રમાણપત્ર ફરજિયાત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમ જ બાલવિવાહથી સંબંધિત દરેક વ્યક્તિ પર ગુનો દાખલ કરવામાં આવશે એવી માહિતી પણ આપવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં દરેક સરકારી ઓફિસમાં મહિલા સામે થતાં અપરાધો અને સમસ્યાનું નિવારણ લાવવા માટે એક વિભાગ છે, પણ રાજ્યમાં 2,566 જેટલી ખાનગી ઓફિસમાંથી માત્ર 568 ઓફિસમાં આ પ્રકારની ફરિયાદની નોંધણી કરવામાં આવે છે. આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે જેથી દરેક સામાજિક સંસ્થા, ઓફિસ અને સરકારી ઓફિસમાં જઈને દરેક બાબતની માહિતી મહિલા કમિશન દ્વારા લેવામાં આવશે એવી માહિતી જાહેર કરવાં આવી હતી.