ગઈકાલે મુંબઈ આવેલા અમિત શાહ સાથે બેઠકોની વહેંચણી મામલે શું થઈ ચર્ચા?

મુંબઇઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન આજે અમિત શાહ લાલબાગની મુલાકાતે જવાના છે. અમિત શાહની મુલાકાત દરમિયાન મહાગઠબંધનની સીટોની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.
એશિયાના પ્રતિષ્ઠિત અખબાર મુંબઇ સમાચારના કાર્યક્રમ માટે અમિત શાહ ગઇ કાલે મુંબઇ આવ્યા હતા. આજે તેઓ લાલબાગના ગણપતિના દર્શન કરવા જવાના છે. મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં, મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે, ત્યારે અમિત શાહની મુલાકાત દરમિયાન મહાગઠબંધનની સીટોની વહેંચણી અંગેની અનિશ્ચિતતાઓનો અંત આવે તેવી અપેક્ષા છે.
ભાજપના નેતાઓ રવિવારે રાત્રે અમિત શાહને મળ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ , ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ, ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજન, ધારાસભ્ય પંકજા મુંડે હાજર હતા. ભાજપના નેતાઓએ અમિત શાહને આગ્રહ કર્યો છે કે ભાજપે વિધાનસભા માટે ઓછામાં ઓછી 160 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. જો કે લોકસભા ચૂંટણીમાં શિંદે જૂથને સારી સફળતા મળી હતી, પરંતુ તેમાં ભાજપના કાર્યકરોનો ભાગ હોવાનું કહેવાય છે. આથી રાજ્યમાં ભાજપના નેતાઓએ ભલે બેઠકોનો આગ્રહ રાખવો હોય, પરંતુ સંખ્યાબળ જોઈને જ નિર્ણય લેવો જોઈએ, એવું અનેક નેતાઓએ સૂચન કર્યું હતું. કેન્દ્રીય નેતા અજિત પવારની NCPની તાકાતનો પણ અંદાજ લગાવવા માગે છે.
મુંબઇ મુલાકાત દરમિયાન અમિત શાહ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને ગણપતિના દર્શન કરવા જશે. ત્યાર બાદ તેઓ ભાજપના નેતા આશિષ શેલારના નિવાસસ્થાને ગણપતિના દર્શન કરશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યા બાદ અમિત શાહ ત્રીજી વાર ‘લાલબાગના રાજા’ના દર્શન કરવાની આવ્યા છે. દર વર્ષે અમિત શાહનો પરિવાર ‘લાલબાગના રાજા’ના ચરણોમાં વંદન કરવા મુંબઈ આવે છે .