બોમ્બે હાઈ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનું કરાયું સ્વાગત
શહીદની પત્નીને સ્પેશિયલ કેસમાં આર્થિક લાભ આપવા માટે સહમત

મુંબઈ: ચાર વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયેલા લશ્કરના મેજરને આર્થિક લાભ આપવા મહારાષ્ટ્ર સરકાર સહમત થઈ હોવાની જાણકારી બુધવારે બોમ્બે હાઈકોર્ટને આપવામાં આવી હતી.
2019 અને 2020ના એમ બે સરકારી ઠરાવ હેઠળ લશ્કરી દળના ભૂતપૂર્વ કર્મચારીઓને આપવામાં આવતા આર્થિક લાભ મેળવવા શહીદ મેજર અનુજ સૂદની પત્ની આકૃતિ સૂદે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
આતંકવાદીઓ સામે નાગરિકોના રક્ષણ કરવાના પ્રયાસમાં બીજી મે, 2020ના દિવસે મેજર સૂદ શહીદ થયા હતા. તેમને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. સરકારી ઠરાવ અનુસાર મહારાષ્ટ્રમાં જન્મેલા અથવા સળંગ 15 વર્ષ રાજ્યના રહેવાસી હોય એ જ આર્થિક લાભ માટે પાત્ર હોવાથી સૂદનો પરિવાર લાભાર્થી ન હોઈ શકે એવી દલીલ સરકાર દ્વારા કરવામાં આવી હતી.
જોકે, ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ ફિરદોશ પુનિવાલાની ખંડપીઠે સુદના કેસને સપ્સેશિયાળ કેસ ગણી લાભ આપવા જણાવ્યું હતું. સરકારે એક કરોડ રૂપિયા (60 લાખ રૂપિયા આકૃતિ સૂદ અને 40 લાખ રૂપિયા અનુજ સૂદના પિતાશ્રીને) તેમ જ આકૃતિને દર મહિને 9000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. ખંડપીઠે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.