સરકાર કૃષિ લોનમાફી આપશે, પરંતુ માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ લાભ મળશે: બાવનકુળે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સરકાર કૃષિ લોનમાફી આપશે, પરંતુ માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ લાભ મળશે: બાવનકુળે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચોક્કસપણે કૃષિ લોનમાફી યોજના લાગુ કરશે, પરંતુ એ પહેલાં સુનિશ્ર્ચિત કરવામાં આવશે કે તેનો લાભ સાચા અને પાત્ર ખેડૂતોને મળે.
તેમણે કહ્યું હતું કે સરકાર ઉતાવળમાં લોન માફી યોજનાની જાહેરાત કરવા માગતી નથી.

આ મહિનાની શરૂઆતમાં, રાજ્ય સરકારે આ વર્ષના ચોમાસા દરમિયાન વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતો માટે રૂ. 31,628 કરોડના વળતર પેકેજની જાહેરાત કરી હતી. માહિતી મુજબ, કુલ 36 જિલ્લાઓમાંથી 29 અને 253 (358માંથી) તાલુકા ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે. વિરોધી પક્ષો અસરગ્રસ્ત ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીની માગણી કરી રહ્યા છે.

આપણ વાંચો: વીએચપીનું ‘ગરબા ફક્ત હિન્દુઓ માટે’નું ફરમાન: બાવનકુળેએ આયોજકોના અધિકારોનું સમર્થન કર્યું, વડેટ્ટીવારે ટીકા કરી

નાગપુરમાં એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા બાવનકુળેએ કહ્યું હતું કે, ‘સરકાર કૃષિ લોનમાફી માટે પ્રતિબદ્ધ છે, પરંતુ તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે ફક્ત એવા ખેડૂતોને જ લાભ મળે જેમણે કૃષિ હેતુ માટે લોન લીધી છે. જેમણે પોતાની ખેતીની જમીન પર ફાર્મહાઉસ અથવા મોટા મકાનો બનાવ્યા છે અને આવી લોનને ખેતી સંબંધિત બતાવી છે તેઓ પાત્ર રહેશે નહીં.’

સરકારનો ઉદ્દેશ એક ન્યાયી અને પારદર્શક યોજના લાવવાનો છે જે ફક્ત એવા ખેડૂતોને જ ટેકો આપે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: દરેક ખેડૂતોના ખેતર સુધી જતા રસ્તા બનાવવામાં આવશે: બાવનકુળે

ઘણા ખેડૂતો એવા છે જે નિષ્ઠાપૂર્વક કૃષિ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે, પરંતુ બાહ્ય પરિબળોને કારણે તેમને નુકસાન થયું છે. અમે આવા ખેડૂતોને મદદ અને ટેકો આપવા માંગીએ છીએ,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે પાત્ર લાભાર્થીઓનો અભ્યાસ કરવા અને ઓળખી કાઢવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુ, ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી અને અન્ય લોકો દ્વારા તાત્કાલિક લોન માફીની માગણી કરી રહેલા આંદોલનનો જવાબ આપતા બાવનકુળેએ કહ્યું હતું કે, ‘અમે તેમને ત્રણ વખત મીટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓએ ચર્ચાની કોઈ જરૂર નથી એમ કહીને હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. સરકાર એવી યોજના ઉતાવળમાં જાહેર કરવા માગતી નથી જેનો લાભ બિન-પાત્ર વ્યક્તિઓને મળે.’

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button