Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્રમાં ‘દિગ્ગજો’ના શું થયા હાલ?
Maharashtra Assembly Election Result 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા છે, જેમાં સત્તાધારી મહાગઠબંધન મહાયુતિ ભારે બહુમતીથી આગળ વધી રહ્યું છે, જ્યારે મહાવિકાસ આઘાડી જનતાને રિઝવવામાં નિષ્ફળ રહી હોવાના પરિણામો મળ્યા છે ત્યારે રાજ્યની વીઆઈપી સીટ પર સૌની નજર છે. લખાય છે ત્યાં સુધીમાં રાજ્યની વીઆઈપી બેઠકો પર કોણ આગળ છે અને કોણ પાછળ છે એની સાથે અમુક સીટ પર દિગ્ગજ નેતાઓ હારી પણ ગયા છે એ જોઈ લઈએ.
આ પણ વાંચો : Maharashtra Election Result Live: હવે વિપક્ષના નેતા કોણ? કેટલી સીટની આવશ્યક્તા?
એકનાથ શિંદેઃ થાણે જિલ્લાની કોપરી-પચપખાડી વિધાનસભા બેઠક આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વની બેઠકોમાંથી એક છે. શિવસેનાના નેતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2009થી કોપરી-પચપખાડી બેઠક પર અપરાજિત છે. 2019માં શિંદેએ કોપરી-પચપાખાડી બેઠક પરથી કોંગ્રેસના ઘડીગાંવકર પાંડુરંગને 89,300 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)એ શિંદે સામે દિવંગત નેતા આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘેને મેદાનમાં ઉતારીને મોટો દાવ લગાવ્યો હતો. આનંદ દિઘે શિંદેના માર્ગદર્શક રહી ચૂક્યા છે. એકનાથ શિંદે તેમની બેઠક પરથી જીતી ગયા છે.
દેવેન્દ્ર ફડણવીસ: મહારાષ્ટ્રની ચૂંટણીમાં નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક પણ ખૂબ મહત્વની છે. અહીંથી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મેદાનમાં છે. 1999માં, તેઓ વિધાનસભ્ય તરીકે મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રવેશ્યા જે અત્યાર સુધી ચાલુ છે. 1999 અને 2004માં ફડણવીસે નાગપુર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
સીમાંકન પછી જ્યારે નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક બની ત્યારે ફડણવીસે અહીંથી ચૂંટણી લડી અને પછી ધારાસભ્ય બન્યા. છેલ્લી ચૂંટણીમાં પણ દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના ડૉ. આશિષ દેશમુખને 49,344 મતોથી હરાવ્યા હતા. આ વખતે તેમની સામે કોંગ્રેસના પ્રફુલ્લ વિનોદ ગુડાધે (પાટીલ) પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 2014માં પણ આ બેઠક પર બંને ઉમેદવારો સામસામે હતા. દેવેન્દ્ર ફડણવીસ પણ જીતી ગયા છે.
અજિત પવારઃ હંમેશની જેમ, 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પુણે જિલ્લાની બારામતી વિધાનસભા બેઠક ખાસ છે. છેલ્લી સાત ચૂંટણીમાં શરદ પવારના ભત્રીજા અજિત પવાર બારામતી સીટ પરથી જીતતા રહ્યા છે. 2019માં સૌથી વધુ વિજેતા NCPના અજિત પવાર હતા. તેમણે બારામતી બેઠક પરથી ભાજપના ગોપીચંદ કુંડલિક પડલકર સામે 1,65,265 મતોના માર્જિનથી ચૂંટણી જીતી હતી. હવે કાકાથી અલગ થઈ ગયેલા અજિત પવાર ફરી એકવાર બારામતીથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં હરીફાઈનો બીજો રસપ્રદ વાત છે કે અજિત પવાર તેમના ભત્રીજા યુગેન્દ્ર પવારનો સામનો કરી રહ્યા છે. યુગેન્દ્ર શરદ પવારની એનસીપીના ઉમેદવાર છે. અજિત પવાર પણ મોટી લીડ સાથે વિજેતા બન્યા છે.
નાના પટોલેઃ રાજ્યના ભંડારા જિલ્લાની સાકોલી બેઠક પણ લોકપ્રિય બેઠકોમાંથી એક છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. પટોલે સાકોલી સીટથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા સીટના ભાજપના પૂર્વ સાંસદ નાના પટોલે જાન્યુઆરી 2018માં કોંગ્રેસમાં જોડાયા હતા. પટોલે મૂળ કોંગ્રેસમાં હતા, પરંતુ થોડા સમય માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગત વખતે કોંગ્રેસના નાના પટોલેએ ભાજપના ડો. પરિણય ફુકેને 6240 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે એક દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા અવિનાશ બ્રાહ્મણકરને સાકોલીમાં કોંગ્રેસના નાના પટોલે સામે ઉમેદવાર બનાવ્યા હતા. અવિનાશ NCP (શરદ પવાર)ના ભંડારા જિલ્લા પરિષદના જૂથ નેતા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ પટોલે હાર્યા છે.
બાળાસાહેબ થોરાતઃ અહિલ્યાનગર જિલ્લાની સંગમનેર વિધાનસભા બેઠક માટે પણ લોકો ચૂંટણી લડવા પર નજર રાખી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અનેક સરકારોમાં મંત્રી રહી ચૂકેલા બાળાસાહેબ થોરાત ફરી એકવાર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. થોરાટે 1985માં અપક્ષ તરીકે તેમની પ્રથમ ચૂંટણી જીતી હતી અને ત્યાર બાદ કોંગ્રેસ ઉમેદવાર તરીકે એકપણ ચૂંટણી હાર્યા વિના આઠ વિધાનસભા ચૂંટણીઓ જીતી હતી. આ ચૂંટણીમાં બાળાસાહેબ થોરાત સામે શિવસેના તરફથી યુવા નેતા અમોલ ખટલ ઉમેદવાર છે. 2019માં કોંગ્રેસના બાલાસાહેબ થોરાતે શિવસેનાના ઉમેદવાર રામચંદ્ર નવલેને 62252 મતોથી હરાવ્યા હતા. થોરાતને 2024ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ શિવસેનાના અમોલ ધોંડીબા ખટલ સામે 10560 મતોના માર્જીનથી હારી ગયા હતા.
પૃથ્વીરાજ ચવ્હાણઃ સતારા જિલ્લાની દક્ષિણ કરાડ બેઠક પરથી રસપ્રદ સ્પર્ધાની અપેક્ષા છે. અહીં 78 વર્ષીય પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સતત ત્રીજી વખત વિધાનસભા જીતવા માટે ચૂંટણી લડી રહ્યા છે. આ મતવિસ્તારમાં કોંગ્રેસ મજબૂત માનવામાં આવે છે અને આ પહેલા વરિષ્ઠ નેતા યશવંતરાવ મોહિતે અને વિલાસરાવ પાટીલ ઉંડાલકર આ બેઠક પર જીત્યા છે. દક્ષિણ કરાડ મતવિસ્તાર લાંબા સમયથી પરંપરાગત હરીફો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે. ગત ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપના ડો.અતુલ ભોસલેને 9130 મતોથી હરાવ્યા હતા. દક્ષિણ કરાડ મતવિસ્તારમાં ચવ્હાણનો મુકાબલો ભાજપના 41 વર્ષીય ડૉક્ટર અતુલ ભોસલે સાથે છે. પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ ભાજપના ઉમેદવાર ડો. અતુલબાબા સુરેશ ભોસલે સામે ચૂંટણી હારી ગયા છે.
આદિત્ય ઠાકરે Vs મિલિંદ દેવરા: મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતા ઠાકરે પરિવારના બે સભ્યો આદિત્ય અને અમિતે આ ચૂંટણી લડી છે. લગભગ અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળનાર ઉદ્ધવ ઠાકરે પોતે ચૂંટણી લડી રહ્યા નથી પરંતુ તેમના પુત્ર આદિત્ય વરલી બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય શિવસેના (UBT)ના અગ્રણી નેતા અને યુવા સેનાના પ્રમુખ છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આદિત્યએ બહુજન રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટીના સુરેશ માનેને મુંબઈમાં તેમની પાર્ટી શિવસેનાના ગઢ ગણાતી વરલી સીટ પર 70 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં પૂર્વ મંત્રીનો મુકાબલો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરા સાથે છે. દેવરાએ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ સિવાય મનસેએ રાજ ઠાકરેના નજીકના સહયોગી ગણાતા સંદીપ દેશપાંડેને ઉમેદવાર બનાવ્યા હતા. આદિત્ય ઠાકરેએ તેમના પ્રતિસ્પર્ધી મિલિંદ દેવરા પાસેથી 8801 મતોથી ચૂંટણી જીતી છે.
નીતિશ રાણેઃ પૂર્વ મુખ્યમંત્રી અને રત્નાગીરી-સિંધુદુર્ગના સાંસદ નારાયણ રાણેના બંને પુત્રોને આ ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. કોંકણની કંકાવલી બેઠક પરથી ભાજપે ફરી નારાયણ રાણેના પુત્ર નીતિશ રાણેને તક આપી છે. કનકવલીમાં શિવસેના (UBT) એ સંદેશ પારકરને નીતિશ સામે પોતાનો ઉમેદવાર બનાવ્યા હતા. નીતિશ રાણેએ 58007 મતોથી પોતાની બેઠક જીતી હતી.
અબુ આઝમી vs નવાબ મલિક: મુંબઈ ઉપનગરની માનખુર્દ શિવાજીનગર બેઠકની ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી હતી. અહીંની સીટ પર ત્રિકોણીય મુકાબલો હતો, કારણ કે સપા મહારાષ્ટ્રના પ્રમુખ અબુ આઝમી MVA ઉમેદવાર હતા. માનખુર્દ શિવાજીનગર એક એવી સીટ હતી, જ્યાં મહાયુતિના બે ઉમેદવાર આમનેસામને હતા. અહીંથી પૂર્વ મંત્રી નવાબ મલિકે નોમિનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખે NCP (અજિત જૂથ)ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આ બેઠક પર ભાજપે શિવસેનાના સુરેશ કૃષ્ણ પાટીલને ગઠબંધનના ‘સત્તાવાર’ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ફડણવીસ, શેલાર સહિત ભાજપના અનેક નેતાઓએ મલિકનો વિરોધ કર્યો હતો. 2019માં સપાના અબુ આઝમીએ શિવસેનાના ગોવિંદ લોકરે વિઠ્ઠલને 25601 મતોથી હરાવ્યા હતા. અબુ આઝમી 12753 મતોથી ચૂંટણી જીત્યા છે. નવાબ મલિક ચોથા સ્થાને રહ્યા છે.
આ પણ વાંચો : કેમ ખોટા પડ્યા શરદ પવારના પાસાં?: આવી કારમી હાર બાદ પક્ષનું ભવિષ્ય ડામાડોળ
ઝિશાન સિદ્દીકીઃ આ ચૂંટણીમાં મુંબઈની બાંદ્રા પૂર્વ સીટ હૉટ સીટમાં સામેલ હતી. એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકી અહીંથી ચૂંટણી મેદાનમાં ઊતાર્યો હતો. તાજેતરમાં જ કોંગ્રેસે એનસીપીમાં સામેલ થયેલા ઝિશાનનો મુકાબલો શિવસેના યુબીટીના નેતા વરૂણ સરદેસાઈ અને મનસેના તૃપ્તિ સાવંત થયો હતો. 2019ની ચૂંટણીમાં ઝિશાને કોંગ્રેસ ઉમેદવાર તરીકે શિવસેનાના વિશ્વનાથ મહાદેવેશ્વરને 5790 મતથી હરાવ્યા હતા. ઝિશાન સિદ્દીકી 9805 મતથી ચૂંટણી હારી ગયા છે.