સલમાન-શાહરુખ જ્યાં મતદાન કરવાના છે તે બૂથ પર સુરક્ષામાં વધારો
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીમાં કુલ 4136 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તમામ બૂથ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાનના દિવસે વહેલી સવારથી જ અનેક સેલિબ્રિટીઝ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. અભિનેતા અક્ષય કુમાર, સલમાન ખાનના પિતા સલીમ ખાન, રિતેશ દેશમુખ અને જેનેલિયા, રાજકુમાર રાવ, વિશાલ દદલાની, સુભાષ ઘાઇ, તમન્ના ભાટિયા, કબીર ખાન જેવા અનેક સેલિબ્રિટીઓએ અત્યાર સુધી પોતાનો મત આપ્યો છે. એવા સમયે મુંબઈ પોલીસ સલમાન ખાન અને શાહરૂખ ખાન જે બૂથ પર મતદાન કરવા આવશે તે બૂથ પર પહોંચી ગઇ છે અને સુરક્ષાની સમીક્ષા કરી રહી છે.
સલમાન ખાનને હાલમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની અનેક ધમકીઓ મળી છે, તેથી પોલીસ તેમની સુરક્ષાને લઈને સતર્ક છે. આ સિવાય શાહરૂખ ખાનને પણ તાજેતરમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. સલમાન ખાન અને શાહરૂખ ખાન તેમના પરિવાર સાથે બાંદ્રા વેસ્ટમાં મતદાન કરવા માટે મતદાન મથક પર જશે. બંનેનું મતદાન મથક પણ એક જ છે. શાહરૂખ અને સલમાન ખાન ઉપરાંત ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, કરીના કપૂર, રણબીર કપૂર, પ્રેમ ચોપરા, આમિર ખાન, શબાના આઝમી, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, રિતિક રોશન, આમિર ખાન, કિરણ રાવ જેવી સેલિબ્રિટીઓ પણ બાંદ્રા પશ્ચિમમાં વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા આવી શકે છે. આ બધાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સાવચેત છે.
આ પણ વાંચો….તાવડેના કેશ ફોર વોટ કેસ બાદ સેલિબ્રિટીઓની ક્રિપ્ટીક પોસ્ટ્સ વાયરલ
સલમાન ખાનને કાળા હરણના શિકારના કેસને લઇને ધમકી આપવામાં આવી રહી છે. સલમાન ખાને બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળા હરણના શિકાર કેસમાં માફી માંગવી જોઈએ અથવા 5 કરોડ રૂપિયા આપવા જોઈએ, નહીં તો તેને જાનથી હાથ ધોવા પડશે, એમ ધમકીમાં કહેવામાં આવ્યું હતું.