મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ દ્વારા ભરતીમાં ગેરરીતિઓની તપાસ માટે એસઆઈટી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન દાદા ભૂસેએ મંગળવારે એવી જાહેરાત કરી હતી કે શાળા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં ગેરરીતિઓની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ (એસઆઈટી) બનાવવામાં આવશે.
ભૂસેએ રાજ્ય વિધાનસભાને માહિતી આપી હતી કે તપાસ ટીમમાં કાનૂની પૃષ્ઠભૂમિ ધરાવતા વરિષ્ઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થશે.
તેમણે જણાવ્યું હતું કે ટીમને તપાસ માટે ચારથી પાંચ મહિનાનો સમય આપવામાં આવશે.
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અજય ચૌધરી અને અન્ય લોકોએ ધ્યાનાકર્ષક નોટિસ દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રીજી ભાષા નહીં! શિક્ષણ વિભાગનો યુ-ટર્ન
નોટિસમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં નાગપુર અને અન્ય જિલ્લાઓમાં 1,000થી વધુ શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને તેમાંથી 580 અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું.
એકલા નાગપુર વિભાગમાં, સરકારી ભંડોળમાંથી 100 કરોડ રૂપિયા અયોગ્ય કર્મચારીઓના પગાર પર વેડફવામાં આવ્યા હતા.
ચૌધરીએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે બાર શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ સામે ફોજદારી કેસ નોંધાયા છે અને તેમના અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે 2012થી ઘણા જિલ્લાઓમાં અયોગ્ય શિક્ષકોને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.