જાહેર જનતાજોગ મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશકે કર્યું મોટું આવ્હાન, જાણો મામલો?

મુંબઈઃ રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ પત્ર લખીને રાજ્યની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો, તેમાં તેમણે અપીલ કરી હતી કે જો રાજ્યના કોઈ પણ નાગરિકને કોઈ તકલીફ હોય અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાય ન મળી રહ્યો હોય તો આ બાબત પોલીસ મહાનિર્દેશકના ધ્યાન પર લાવવા આવ્હાન કર્યું છે.
મહારાષ્ટ્ર પોલીસના સોશિયલ મીડિયા પર આ પત્ર પોસ્ટ કરવામાં આવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે સમગ્ર મહારાષ્ટ્રમાં દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાની મારી પ્રાથમિકતા છે. હું એ વાત પણ કહીશ કે અમુક સ્તરે આપણા પોલીસ દળમાંથી લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. ભૂતકાળની ભૂલોને દૂર કરવાની અને તમારો વિશ્વાસ પાછો મેળવવાની જવાબદારી અમારી છે. અમે પોલીસ અને જનતા વચ્ચે પુનઃ સેતુ નિર્માણ કરીશું.
અમે પોલીસ દળના કોઈ પણ સભ્ય દ્વારા હિંસા, શોષણ અથવા દુર્વ્યવહારના કોઈપણ અન્યાયી કૃત્યોને સહન કરીશું નહીં. જો રાજ્યનો કોઈપણ નાગરિક પીડાતો હોય અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાય મેળવવામાં મુશ્કેલી હોય તો હું તમને આ બાબતને પોલીસ મહાનિર્દેશકની કચેરીમાં અમારા ધ્યાન પર લાવવા વિનંતી કરું છું. મારા સાથીદારો અને હું શક્ય તેટલી વહેલી તકે તમને મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.