મુંબઈમાં 15 જાન્યુઆરીએ જાહેર રજા: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

મુંબઈઃ મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાનની ટકાવારી વધારવાને ઇરાદે રાજ્ય સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીએ જાહેર રજાનો આદેશ જારી કરાયો હતો. ૨૦૨૬ની ૨૪ જાહેર ૨જાઓમાં આ રજાનો સમાવેશ કરવાનો પણ નિર્ણય સરકારે લીધો હતો.
રાજ્યની ૨૯ મહાપાલિકાની ચૂંટણી માટે ૧૫ જાન્યુઆરીએ મતદાન થવાનું છે. મતદારો મતદાનની ફરજ બજાવી શકે તે માટે આગામી ગુરુવારે રજા કરવામાં આવી હતી. જોકે સરકારે અગાઉ જાહેર કરેલી આ રજાનો ૨૦૨૬ની ૨૪ સાર્વજનિક રજામાં સમાવેશ નહોતો.
હવે તેને સાર્વજનિક રજામાં ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘આ સાર્વજનિક રજા માત્ર મુંબઈ શહેર, ઉપનગર અને જિલ્લાના ૨૯ મહાપાલિકા વિસ્તારમાં લાગુ રહેશે, એવું અખબારી યાદીમાં જણાવાયું હતું. આ રજાને કારણે મુંબઈ શેરબજાર બંધ રહેવાની શક્યતા છે. જોકે, આ બાબતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોઈ જાહેરાત કરી નથી.
પંદરમી જાન્યુઆરીના ગુરુવારે સવારે 7.30 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ઉપરાંત, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની રજા અંગે પણ કોઈ નિર્ણય લેવાયો નથી. સંબંધિત સંસ્થાને પોતાના કર્મચારીઓને રજા આપવી કે નહીં તેનો નિર્ણય લેવાનો અધિકાર છે.
મોટા ભાગની કંપની તેમના કર્મચારીઓને મતદાન માટે સવારે અથવા સાંજે બે કલાકની છૂટ આપવાનો નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો…સરકારી આદેશ જારી: 2026ની 24 જાહેર રજાઓમાં આ રજાનો સમાવેશ



