નંદ ઘેર આનંદ ભયો! દહીં હાંડી માટે સરકારે 1.5 લાખ ગોવિંદાઓને વીમા કવચ પૂરું પાડશે…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દહીં હાંડીનું અનેરું મહત્વ છે. હજારોની સંખ્યામાં ગોવિંદાઓ મટકી ફોડવા પિરામિડ રચે છે. આ ભવ્ય આયોજન જોવા વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે.
મહારાષ્ટ્ર્ની સંસ્કૃતિમાં દહીં હાંડીની વધતી લોકપ્રિયતાને નજરમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર રાજ્ય રમતગમત વિભાગને આ વર્ષે દહીંહાંડી ઉજવણીમાં ભાગ લેનારા 1.5 લાખ ગોવિંદાઓને વીમા કવચ પૂરું પાડવાનો નિર્દેશ આપ્યો છે, જે જન્માષ્ટમી સાથે સંકળાયેલા જોખમી માનવ પિરામિડ કાર્યક્રમમાં વિશેષ સલામતીનું પગલું બની રહેશે. કૃષ્ણ જન્મોત્સવનો આ તહેવાર આ વર્ષે 16 ઓગસ્ટે આવે છે.
રાજ્યના સંસ્કૃતિ પ્રધાન આશિષ શેલાર સાથે દહીં હાંડી સમન્વય સમિતિના એક પ્રતિનિધિમંડળે ફડણવીસની મુલાકાત લીધી હતી અને વર્તમાન વીમા યોજનાના વિસ્તરણ માટે અપીલ કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
છેલ્લા બે વર્ષથી, રાજ્ય વાર્ષિક 75,000 ગોવિંદાઓને વીમો આપી રહ્યું છે. વિનંતીનો સકારાત્મક પ્રતિભાવ આપતા, મુખ્યપ્રધાને રમતગમત વિભાગને 2025 માટે બમણી સંખ્યામાં ગોવિંદાઓનો સમાવેશ કરવા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી.
સમાચાર માધ્યમોના અહેવાલ મુજબ, વીમા કવચ પૂરું પાડતી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સના ચીફ રિજનલ મેનેજર દિનેશ જાદવે પુષ્ટિ આપી કે આ વર્ષે મહારાષ્ટ્રના 1,200 મંડળોના એક લાખથી વધુ ગોવિંદાઓનો વીમો લેવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે આ વીમાધારક સહભાગીઓનો મોટો ભાગ મહારાષ્ટ્ર રાજ્ય દહીં હાંડી ગોવિંદા એસોસિએશન સાથે જોડાયેલો છે, જેના દ્વારા રાજ્યએ 75,000 થી વધુ ગોવિંદાઓને વીમા કવરેજની સુવિધા આપી છે.
રાજ્યએ અગાઉ દહીં હાંડીને ‘સાહસિક રમત’ તરીકે જાહેર કરી હતી, જેને કારણે તેમાં ભાગ લેનારાઓની સંખ્યામાં વધારો થયો અને વધુ ઊંચા જોખમી માનવ પિરામિડ બનાવવાને પ્રોત્સાહન મળ્યું છે.