ઓનલાઈન જોખમો અંગે મહારાષ્ટ્રના સરકારી વિભાગોને સાઈબરની ચેતવણી…

મુંબઈ: મહારાષ્ટ્ર સાઈબરે રાજ્ય સરકારના પોલીસ ખાતા સહિત વિવિધ ખાતાઓને સાવચેતી રાખવાની ચેતવણી આપી છે, કેમ કે આમાંના મોટા ભાગના ખાતાઓની માહિતી ડાર્કનેટ પર જોવા મળી છે, એમ શુક્રવારે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.
જે ખાતાઓની વિગત ડાર્કનેટ પર જોવા મળી છે, તેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી), ઊર્જા વિભાગ, મહા ડીબીટી જેવા ખાતાઓનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સાઈબર એન્ડ ધ કમ્પ્યુટર, ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)ની માહિતી મુજબ કેટલાક કિસ્સામાં ડાર્કનેટ પર યુઝર નેમ, પાસવર્ડ અને એપીએન કી પણ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સાઈબરે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજીને પત્ર લખીને એવી ભલામણ કરી છે કે માહિતી અને પ્રસારણ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરીને વિકિપિડિયાને બ્લોક કરવામાં આવે.
લીક થયેલી માહિતીમાં અધિકારીઓના ઈમેઈલ આઈડી અને પાસવર્ડ જેવી માહિતીનો સમાવેશ થાય છે અને તેથી સાઈબર એટેક અથવા તો સાઈટ હેક થવાનું જોખમ વધી જાય છે, એમ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)