આમચી મુંબઈ

10 – 12માની પરીક્ષામાં કોપી કરનારાઓને ડ્રોન પકડશેઃ કોપી-ફ્રી ઝુંબેશનો કરાશે કડક અમલ

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમએસબીએસએચએસઈ)એ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન કોપી થતી અટકાવવા રાજ્યભરમાં કોપી-ફ્રી ઝુંબેશનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે. ગેરરીતિ અટકાવવા માટે ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવામાં આવશે. રાજ્યમાં બારમા ધોરણની પરીક્ષા 11 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન અને દસમા ધોરણની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના 100 દિવસના એકશન પ્લાન કાર્યક્રમના ભાગરૂપે શિક્ષણ પ્રધાન દાદા ભુસેએ શાળા શિક્ષણ વિભાગ અને રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને નિર્દેશ આપ્યો હતો કે બારમા અને દસમાની પરીક્ષાઓ કોપી મુક્ત, ભયમુક્ત અને તણાવ મુક્ત વાતાવરણમાં સુચારુ રીતે યોજાય તે માટેના પ્રયાસો કરવામાં આવે.

Also read: મહારાષ્ટ્રમાં દસમા-બારમાની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેરઃ આ વખતે વહેલી પરીક્ષા યોજાશે

જો પરીક્ષા કેન્દ્ર પર કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવશે તો તેને ઉત્તેજન આપનાર અને મદદ કરનાર સામે દખલપાત્ર, બિનજામીનપાત્ર ગુનો નોંધવો જોઈએ એ બાબત પર ભાર મૂકી જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રથી 500 મીટરની અંદર ઝેરોક્ષ કેન્દ્ર બંધ રાખવા જોઈએ. પરીક્ષા કેન્દ્રોની આસપાસમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button