Election Result: પરિણામો પછી મહારાષ્ટ્રના કોંગ્રેસના પ્રદેશપ્રમુખે આપી પ્રતિક્રિયા
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Result)માં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને સપાટો બોલાવ્યા પછી મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશપ્રમુખે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રમાં ગેર બંધારણીય સરકાર રચવા બદલ જનતાએ ભારતીય જનતા પક્ષને પાઠ ભણાવ્યો છે એમ રાજ્યના કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ જણાવ્યું હતું.
પટોલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ધુળે બેઠક પર ફરી મતગણતરીની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં શાસક મહાયુતિ જોડાણ કરતા મહા વિકાસ આઘાડી (એમવીએ) વધુ બેઠકો મેળવશે એવું ચિત્ર બપોર સુધીમાં ઉપસ્યું હતું.
‘જનતાએ ભાજપની સરમુખત્યારી વર્તણૂકને જડબાતોડ જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રમાં લોકશાહી પ્રક્રિયાનું ગળું ઘોંટવામાં આવ્યું હતું અને ગેર બંધારણીય સરકારની રચના કરવામાં આવી હતી.
જનતાએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યો છે,’ એમ રાજ્ય કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું. રાજ્યમાં તેમજ દેશભરમાં કોંગ્રેસના બહેતર દેખાવનો યશ રાહુલ ગાંધીને આપી પટોલેએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ત્યાર બાદ ન્યાય યાત્રાને પગલે વાતાવરણ બદલાઈ જવાની શરૂઆત થઈ હતી.