Maharashtra Congressમાં ઉથલપાથલ: દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી હટાવવાની માગણી

મુંબઈઃ ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે અને અત્યારથી જ નેતાઓના પક્ષપલટાનો દોર શરૂ થઇ ગયો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ગઇ લોકસભાની ચૂંટણી કરતા અત્યંત સારો દેખાવ કરનારી કોંગ્રેસ (Maharashtra Congress)માં પણ ભંગાણ પડવાની શરૂઆત થઇ ગઇ હોવાનું જણાય છે.
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી જીત હાંસલ કરનારા વર્ષા ગાયકવાડને કોંગ્રેસમાં તેમના પદેથી હટાવવાની માગણી કરવામાં આવી છે. આ માગણી બીજા કોઇ નહીં, પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસના જ મહત્ત્વના નેતાઓએ કરી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના 16 નેતાઓએ વર્ષા ગાયકવાડને તેમના પદેથી હટાવવામાં આવે એવી માગણી કરી છે. વર્ષા ગાયકવાડની કાર્યશૈલી એટલે કે કામ કરવાની પદ્ધતિથી નારાજ હોવાના કારણે તેમણે આ માગણી કરી હોવાનું જણાયું છે.
ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ક્ષેત્રમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વર્ષા ગાયકવાડને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષપદેથી હટાવવા જરૂરી હોવાનો આ કોંગ્રેસી નેતાઓનો મત છે.
16 જૂને આ અંગે દિલ્હીમાં કોંગ્રેસ હાઇ કમાન્ડને પત્ર લખીને આ માગણી કરવામાં આવી હોવાનું જણાયું છે. આ પત્રમાં મુંબઈ કોંગ્રેસની કાયાપલટ અને મુંબઈ કોંગ્રેસ એકમની વિલંબીત ચૂંટણી યોજવા અંગે જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપને ચૂંટણી પહેલા ઝટકોઃ Suryakanta Patil શરદ પવારના કેમ્પમાં
આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં રાજ્યસભા સાંસદ તેમ જ કોંગ્રેસ કાર્ય સમિતીના સભ્ય ચંદ્રકાંત હંડોરે, મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ જનાર્દન ચંદુરકર, ભાઇ જગતાપ, નસીમ ખાન, સુરેશ શેટ્ટી, મધુ ચવ્હાણ, ચરણસિંહ સાપરા, ઝાકીર અહેમદ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના કોષાધ્યક્ષ અમરજીત મન્હાસ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુંબઈમાં કોંગ્રેસને વધુ મજબૂત કઇ રીતે બનાવી શકાય તેની ચર્ચા માટે પત્ર લખનારાઓમાંથી અમુક નેતાઓ દિલ્હી પહોંચ્યા છે જે મલ્લિકાર્જુન ખડગે, કે.સી.વેણુગોપાલ અને રાહુલ ગાંધીની મુલાકાત લેશે.
કહેવાય છે કે હાલમાં જ કોંગ્રેસ દ્વારા મુંબઇમાં યુજીસી-નેટ વિવાદ અંગે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું ત્યારે વર્ષા ગાયકવાડે સિટી યુનિટની ઓફિસમાં બધા પક્ષના નેતાઓને નહોતા બોલાવ્યા એટલે ઉપનગરોમાં તેમણે અલગથી વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું.
આ સિવાય વર્ષા ગાયકવાડ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા તેને 13 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં તેમણે પક્ષને આગળ વધારવા કે મજબૂત કરવા માટે કોઇ નક્કર પગલા ન લીધા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન સામે હારનો સામનો કરનારા કોંગ્રેસના ઉમેદવાર ભૂષણ પાટીલે પણ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરના કોંગ્રેસ એકમ તરફથી તેમને કોઇપણ પ્રકારની મદદ મળી નહોતી. આ નારાજગીના કારણે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ વર્ષા ગાયકવાડની હકાલપટ્ટી કરવાની માગણી કરી છે