છ વિધાનસભ્ય પક્ષની બેઠકમાં ન આવ્યાઃ Maharashtra Congressમાં ફરી ભૂકંપના એંધાણ?
મુંબઈઃ મહારાષ્ટ્ર કૉંગ્રેસને ભૂકંપના એક પછી એક ઝટકા લાગ્યા કરે છે. 14મી જાન્યુઆરીએ મિલિન્દ દેવરાએ શરૂઆત કરી ત્યારથી એક મહિનામાં ત્રણ મોટા નેતા પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાઈ ગયા છે તો હવે એક બે નહી પણ છ જેટલા વિધાનસભ્ય રાજ્યસભાની ચૂંટણી પહેલા અન્ય પક્ષોમાં કૂદવાના હોવાના અહેવાલો વહેતા થયા છે.
આ અહેવાલો પાછળનું કારણ છે કૉંગ્રેસની આજની બેઠક. કૉંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પક્ષના 43માંથી છ વિધાનસભ્ય ગેરહાજર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ છ માંથી જિતેશ અંતાપુરકર, મોહન હંબાર્ડે, માધવરાવ પવારની ગેરહાજરીએ સૌના ભવાં ઊંચા કરી દીધા છે. કારણ કે આ ત્રણેય તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણના નજીકના માનવામાં આવે છે, આથી તેઓ પણ ભાજપમાં જોડાશે તેવી સંભાવના છે. આ સાથે ઝીશાન સિદ્દીકી, અસલમ શેખ અને સુલભા ખોડકે ગેરહાજર રહ્યા હતા. આ ત્રણેય અજિત પવારની એનસીપીમાં જોડાશે તેવી સંભાવના છે.
જોકે કૉંગ્રેસ આ વાતને દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને ચાર જ સભ્ય ગેરહાજર હતા અને તે અમુક કારણોસર આવી શક્યા ન હોવાનું કહે છે, પરંતુ પક્ષમાં ચિંતાનું વાતાવરણ હોવાનું કહેવાય છે.
રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને દરેક ઉમેદવારને જીત માટે 41 મતની જરૂર છે. ભાજપ અને તેના સાથીપક્ષો પાસે પૂરતું સંખ્યાબળ છે જ્યારે કૉંગ્રેસ, શરદચંદ્ર પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવેસનાએ પોતાની એક એક બેઠક બચાવી રાખવી અઘરી સાબિત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ચવ્હાણના પક્ષ છોડવાના દિવસે જ મુંબઈ સમાચારે પોતાના અહેવાલમાં કૉંગ્રેસમાં હજુ ફૂટ પડવાની શક્યતા દર્શાવી હતી. આ સાથે ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આગે આગે દેખીએ હોતા હૈ કયા કરી સંકેતો આપ્યા હતા.